નવી દિલ્હીઃ દિલ્હીના રામલીલા મેદાનમાં આયોજીત કોગ્રેસની ભારત બચાવો રેલીમાં પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. સોનિયા ગાંધીએ અર્થવ્યવસ્થા, બેરોજગારી અને મહિલા વિરુદ્ધ ગુનાઓને લઇને સરકારને ઘેરી હતી. સાથે દેશની વર્તમાન  સ્થિતિને લઇને મોદી અને શાહની જોડી પર નિશાન  સાધ્યું હતું. સોનિયાએ કહ્યું કે, લોકોના પૈસા બેન્કોમાં પણ સુરક્ષિત નથી. સામાન્ય લોકો પોતાના રૂપિયા ના ઘરમાં રાખી શકે છે ના બેન્કમાંથી બહાર કાઢી શકે છે. જેને મોદી-શાહ અચ્છે દિન કહે છે.


સોનિયા ગાંધીએ રેલીમા પોતાના ભાષણમાં બેરોજગારો, મજૂરો, ખેડૂતો, બિઝનેસમેનો અને મહિલાઓનો મુદ્દો ઉઠાવ્યો હતો. સોનિયા ગાંધીએ કહ્યુ કે, આજે તો અંધેર નગરી ચોપટ રાજા જેવો માહોલ છે. આખો દેશ પૂછી રહ્યો છે કે સબકા સાથ સબકા વિકાસ ક્યાં ગયો. અર્થવ્યવસ્થા કેમ નષ્ટ થઇ ગઇ છે.સોનિયા ગાંધીએ કહ્યું કે, જે બ્લેકમની માટે નોટબંધી કરવામાં આવી તે બ્લેકમની બહાર કેમ નથી આવ્યું. તે બ્લેકમની ક્યાં ગઇ. અડધી રાત્રે જે જીએસટી લાગુ કરવામાં આવ્યું હતું તેમ છતાં મોદી સરકારનો ખજાનો ખાલી કેમ છે. આપણી નવરત્ન કંપનીઓ કેમ વેચવામાં આવી રહી છે અને કોને વેચવામાં આવી રહી છે.

સોનિયાએ કહ્યું કે, લોકોના પૈસા બેન્કોમાં પણ સુરક્ષિત નથી. સામાન્ય લોકો પોતાના પૈસા બેન્કમાંથી કાઢી શકતા પણ નથી. નાગરિકતા સંશોધન બિલ પર સોનિયા ગાંધીએ કહ્યું કે, આ કાયદાથી ભારતની આત્માને નુકસાન પહોંચાડ્યું છે. હું વિશ્વાસ અપાવુ છું કે જેમની સાથે અન્યાય થશે કોગ્રેસ તેમની સાથે ઉભી રહેશે. મોદી-શાહની સરકારને ના સંસદની ચિંતા છે ના બંધારણીય સંસ્થાઓની. મોદી-શાહને ફક્ત એક લક્ષ્ય છે. તેમને ફક્ત રાજનીતિની ચિંતા છે. તેમનો એક એજન્ડા છે લોકોને લડાવો અને વાસ્તવિક મુદ્દાઓને છૂપાવો.