નવી દિલ્હીઃ લોકસભામાં નાગરિકતા સંશોધન બિલનું સમર્થન કરનારી શિવસેનાએ મોટો નિર્ણય કર્યો છે. શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું કે, લોકસભામાં બિલનું સમર્થન કરવા છતાં રાજ્યસભામાં સિટિઝન અમેંડમેન્ટ બિલ પર અમે અલગ વિચાર કરી શકીએ છીએ. રાજ્યસભામાં શિવસેનાના ત્રણ સભ્યો છે.

જો શિવસેના નાગરિકાત સંશોધન બિલ વિરૂદ્ધ વોટ કરે છે તો મોદી સરાકરનું રાજ્યસભામાં ગણિત બગડી શકે છે. હાલમાં મોદી સરકારના સપોર્ટમાં 119 સફ્યો છે, જ્યારે વિપક્ષમાં 100 સભ્યો છે. શિવસેનાને જોડવામાં આવે તો આ આંકડો 103 થઈ જાય છે. 19 રાજ્યસભાના સભ્યોનો મત સ્પષ્ટ નથી.

નોંધનીય છેકે, નાગરિકતા સંશોધન બિલ સોમવારે રાતે લોકસભામાં પાસ થઈ ગયું છે. રાતે 12.04 વાગ્યે થયેલા મતદાનમાં બિલના પક્ષમાં 311 અને વિપક્ષમાં 80 મત પડ્યા હતા. જેની પર લગભગ 14 કલાક સુધી હોબાળો થયો હતો. વિપક્ષી પાર્ટીઓએ બિલને ધર્મના આધારે ભેદભાવ કરનારી ગણાવ્યું હતું. ગૃહમંત્રી અમિત શાહે જવાબમાં કહ્યું કે, આ બિલ યાતનાઓથી મુક્તિઓનો દસ્તાવેજ છે અને ભારતીય મુસ્લિમોને આની સાથે કોઈ લેવા દેવા નથી. શાહે કહ્યું કે, આ બિલ માત્ર 3 દેશોમાંથી હેરાન થઈને ભારતમાં આવેલા લઘુમતીઓ માટે છે અને આ દેશોમાં મુસ્લિમ લઘુમતી નથી, કારણ કે ત્યાંનો રાષ્ટ્રીય ધર્મ જ ઈસ્લામ છે.

કોંગ્રેસ સહિત 11 વિપક્ષી પાર્ટીઓએ બિલને ધાર્મિક આધારે ભેદભાવ કરવાનું ગણાવ્યું હતું. AIMIM સાંસદ અસદદ્દુીન ઓવૈસીએ બિલની કોપી પણ ફાડી નાંખી હતી.