નવી દિલ્હીઃ બિહારની બક્સર જેલને આ સપ્તાહના અંત સુધીમાં ફાંસીના 10 ફંદા તૈયાર કરવા નિર્દેશ આપવામાં આવ્યા છે. આ કારણે દિલ્હીના બહુચર્ચિત નિર્ભયાકાંડના આરોપીઓને ફાંસી અપાશે તેવી ચર્ચાઓએ જોર પકડયું છે. બિહારની બક્સર જેલ રાજ્યની એકમાત્ર એવી જેલ છે જેણે ફાંસીના ફંદા બનાવવામાં નિપુણતા મેળવેલી છે. ગત સપ્તાહે બક્સર જેલ પ્રશાસનને ફાંસીના 10 ફંદા બનાવવા નિર્દેશ આપવામાં આવ્યા હતા પરંતુ તેઓ ફંદાની માંગ ક્યાંથી અને કયા ઉદ્દેશ્યથી કરાઈ છે તે બાબતે અજાણ છે.

જણાવી દઈએ કે, એક આરોપી વિનય શર્મા તરફથી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની પાસે દાખલ કરવામાં આવેલી દયા અરજીને ગૃહ મંત્રાલયે નામંજૂર કરવાની ભલામણ કરી છે. ઉલ્લેખનીય છે કે, હૈદરાબાદની ડોક્ટર સાથે ગેંગરેપ બાદ તેને સળગાવી હત્યા કરવાના મામલામાં ચાર આરોપીઓને ઠાર મરાયા બાદ નિર્ભયાનાં નરાધમોને ફાંસી આપવાની માગ જોર પકડી રહી છે.



નિભર્યા ગેંગરેપ મામલે છ આરોપીઓમાંથી એક આરોપીનું મોત નિપજ્યું છે. જ્યારે એક સગીર સજા પૂરી કરીને જેલની બહાર આવી ગયો છે. બીજા બચ્યા ચાર આરોપીમાંથી એક દોષિતની દયા અરજી રાષ્ટ્રપતિ પાસે પેન્ડિંગ છે. અને આ જ કારણે આગળની કાર્યવાહી કરવામાં આવી શકી નથી. આશા છે કે, ગૃહ મંત્રાલયની ભલામણ બાદ રાષ્ટ્રપતિ ટૂંક સમયમાં જ દયા અરજી પર નિર્ણય કરશે.

બક્સર જેલના અધિક્ષક વિજય કુમારના કહેવા પ્રમાણે જેલ નિયામકે તેમને 14 ડિસેમ્બર સુધીમાં ફાંસીના 10 ફંદા તૈયાર કરવા નિર્દેશ આપેલો. વધુમાં જણાવ્યું કે, સંસદ હુમલામાં અફજલ ગુરૂને મોતની સજા આપવા બક્સર જેલમાં તૈયાર કરાયેલો ફાંસીનો ફંદો જ વાપરવામાં આવ્યો હતો.

બક્સર જેલમાં ઘણા લાંબા સમયથી ફાંસીના ફંદા બનાવવામાં આવે છે અને એક ફાંસીનો ફંદો તૈયાર કરવા 7,200 કાચા દોરાનો ઉપયોગ થાય છે. પાંચ-છ કેદીઓ બે-ત્રણ દિવસની મહેનત બાદ એક ફંદો તૈયાર કરે છે. છેલ્લે એક ફંદો 1,725 રૂપિયામાં તૈયાર થયો હતો અને આ વખતે ગળામાં ફસાતી પીત્તળની બુશની કિંમત વધી હોવાથી પડતર કિંમત વધી શકે છે.