નવી દિલ્હી: લોકસભામાં ભારે હોબાળા વચ્ચે નાગરિકતા સંશોધન બિલ પસાર થયા બાદ હવે રાજ્યસભામાં તેના ચર્ચા ચાલી રહી છે. તેની વચ્ચે આ બિલ વિરુદ્ધ ભારે નોર્થ ઈસ્ટ રાજ્યોમાં વિરોધ પ્રદર્શન ચાલું છે. વિરોધ પ્રદર્શનને લઈ ત્રિપુરાના કેટલાક વિસ્તારોમાં સેના તૈનાત કરવામાં આવી છે. જ્યારે આસામના ડિબ્રુગઢ, જોરહાટ અને બોંગગાવમાં સેનાને સ્ટેન્ડબાય રાખવામા આવી છે.


નાગરિકતા સંશોધન બિલ વિરુદ્ધ વ્યાપક વિરોધ પ્રદર્શનના પગલે પૂર્વોત્તરમાં બુધવારે કેટલીક ટ્રેનો રદ્દ કરી દીધી છે અને રાજ્યમાંથી જતી કેટલીક ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ બિલનો જબરજસ્ત વિરોધ થઈ રહ્યો. વિરોધ પ્રદર્શનના કારણે રાજ્ય સરકારે આસામના 10 જિલ્લામાં 24 કલાક માટે ઇન્ટરનેટ સેવા બંધ કરી દીધી છે.

બિલના વિરોધમાં મંગળવારે નોર્થ ઇસ્ટના રાજ્યોમાં વિદ્યાર્થી સંગઠનો અને ડાબેરી પાર્ટીઓએ બંધનું એલાન કર્યું હતું. અસમ, ત્રિપુરા અને અરુણાચલમાં તેની અસર સામાન્ય જીવન પર જોવા મળી હતી. ત્રિપુરામાં પ્રદર્શનને ધ્યાનમાં રાખીને 48 કલાક સુધી ઇન્ટરનેટ બેન કરી દેવાયું છે.

શું છે નાગરિકતા સંશોધન બિલમાં....
બિલમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી ભારત આવેલા ગેરકાયદે અપ્રવાસિયોને ભારતમાં નાગરિકતા આપવાની જોગવાઇ છે, પણ શરત એ કે તે મુસલમાન ના હોય. ખાસ વાત છે કે, આ બિલનો ફાયદો આ દેશોમાંથી ભારત આવેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, ઇસાઇ અને પારસી સમુદાયના લાકોને મળશે.

બિલનો ઉદ્દેશ આ છ ધર્મોના લોકોને નાગરિકતા આપવાનો છે, જેની પાસે વેલિડ ડૉક્યૂમેન્ટ નથી અથવા તો આવા ડૉક્યૂમેન્ટની સમયમર્યાદા ખતમ થઇ ચૂકી છે. આ લોકોને નાગરિકતા કાયદાની પ્રાકૃતિક પ્રક્રિયા પ્રમાણે આપવામાં આવશે. નાગરિકતા મેળવવા માટે અરજી ત્યારે કરી શકશે જ્યારે તેને ઓછામાં ઓછા છ વર્ષ સુધી ભારતમાં વસવાટ કર્યો હોય, અને છેલ્લા એક વર્ષથી ભારતમાં રહી રહ્યો હોય.