નવી દિલ્હીઃ વિશાખાપટ્ટનમ જાસૂસી કાંડમાં મંગળવારે એનઆઈએ દ્વારા ગુજરાતના ગોધરામાંથી ઈમરાન ગિતેલીની ધરપકડ કરવામાં આવી હતી. જાસૂસી કાંડમાં એનઆઈએને મળેલી આ 15મી મોટી સફળતા છે. એનઆઈએ મુજબ ઈમરાન પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ માટે કામ કરે છે. આઈએસઆઈ જાસૂસ દ્વારા ભારતીય નેવીની ગુપ્ત અને સંવેદનશીલ માહિતી હાંસલ કરતું હતું. આ માટે હનીટ્રેપને માધ્યમ બનાવાયું હતું. જેમાં ફસાઇને ભારતીય નૌસેનાના કેટલાક સભ્યો સંવેદનશીલ માહિતી આપતા હતા.


ત્રણ-ચાર મહિલાએ ઓનલાઈન ફ્રેન્ડશિપના બહાને નૌસેના કર્મીઓને હનીટ્રેપનો શિકાર બનાવ્યા હતા. મહિલાએ તેમનો પરિચય કથિત કારોબારી સાથે કરાવ્યો હતો. જે આઈએસઆઈનો હેન્ડલર હતો. પાકિસ્તાની આઈએસઆઈ હેન્ડલરને નૌસેના કર્મી 2018થી નેવી શિપ્સ અને સબમરિનની સંવેદનશીલ જાણકારી મોકલતા હતા. મહિલાએ પહેલા ભારતીય નૌસેનાના જવાનો સાથે સેક્સુઅલ વાતો કરી હતી અને બાદમાં તેમને બ્લેકમેલ કર્યા હતા. જેના બદલામાં જવાનોએ પાકિસ્તાની હેન્ડલરને સંવેદનશીલ માહિતી આપી હતી.

ડિસેમ્બર 2019માં એનઆઈએ નૌસેના 7 કર્મચારીની ધરપકડ કરી હતી. જેમાંથી 3 વિશાખાપટ્ટનમ સ્થિત પૂર્વી નેવી કમાન, 3 મુંબઈ સ્થિત પશ્ચિમ નવલ કમાન અને એક કર્ણાટકના સામેલ હતા. આ મામલે મે મહિનામાં એનઆઈએ મુંબઈથી મોહમ્દ હારુન હાઝી અબ્દુલ રહમાન લાકડાવાલની પણ ધરપકડ કરી હતી. તે પણ બિઝનેસના બહાને પાકિસ્તાનની ટ્રીપ કરતો હતો.


ગોધરાનો ઈમરાન પાકિસ્તાનથી લેડિઝ ડ્રેસ મટિરિયલ ઈમ્પોર્ટ કરતો હતો. તેના બેંક એકાઉન્ટમાંથી ઘણા ટ્રાન્ઝેક્શન વિશાખાપટ્ટનમના આરોપીના બેંક એકાઉન્ટમાં થયા હતા.