ગુજરાતમાં શિક્ષણને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના એક નિવેદન બાદ તેમનો સોશિયલ મીડિયામાં ખૂબ જ વિરોધ  થયો હતો. તો બીજી તરફ આ મામલે દિલ્હીના ડે. સીએમ મનિષ સિસોદીયા પણ ઝંપલાવ્યું હતું. તો હવે દેશની શિક્ષણ વ્યવસ્થા પર ભાજપના જ એક નેતાએ સવાલ ઉઠાવતા મુદ્દો ગરમાયો છે. ભાજપ આગેવાન ડો. ભરત કાનાબારએ ટ્વિટ કરીને દેશની શિક્ષણ વ્યવસ્થા પર બળાપો કાઢ્યો છે. જેને લઈને હવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપ નેતાના ટ્વિટને ક્વોટ કરી ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા પર સવાલો ઉઠાવ્યા છે. 


દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટને ક્વોટ કરતા લખ્યું, ભાજપના લોકો ગુજરાતના કથળતા શિક્ષણ પર પણ સવાલો ઉઠાવી રહ્યા છે. પાર્ટી લાઇનથી ઉપર ઉઠીને ગુજરાતમાં સારા શિક્ષણ માટે અવાજ ઉઠવા લાગ્યો છે. ભાજપ 27 વર્ષમાં સારું શિક્ષણ આપી શકી નથી.  ગુજરાતના લોકોને અને તમામ પક્ષોને સાથે લઈને "આપ" સરકાર ગુજરાતમાં પણ દિલ્હીની જેમ સારું શિક્ષણ આપશે.



ડૉ ભરત કાનાબારે લખ્યું કે, 'ક' કમળ નો  'ક' તો બરાબર ઘુટ્યો, પણ 'ક્ષ' શિક્ષણ નો 'ક્ષ' કોઈએ ભણાવ્યો જ નહી! આ દેશમાં શિક્ષણ એક કોમોડીટી બની ચુક્યુ છે. શિક્ષણ ખરીદનાર અને વેચનાર બન્ને બેશરમ છે. તમને જણાવી દઈએ કે, ડો. ભરત કાનાબાર અમરેલી જિલ્લા ભાજપના પુર્વ પ્રમુખ અને ભાવનગર જિલ્લાના વર્તમાન પ્રભારી છે. ભાજપના આગેવાન દ્વારા જ આ પ્રકારના નિવેદનથી વિવાદ થવની સંભાવના છે.