Noida : સુપ્રીમ કોર્ટના આદેશ બાદ નોઈડામાં ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવેલા 40 માળના સુપરટેક ટ્વીન ટાવર બિલ્ડીંગને તોડી પાડવાનની કામગીરી શરૂ કરવામાં આવી છે. સુપરટેક ટ્વીન ટાવર  40 માળના છે, જેમાં એકની ઊંચાઈ 97 મીટર અને બીજાની ઊંચાઈ 103 મીટર છે. આ બંને ટાવરને તોડી પાડવા માટે આજે 10 એપ્રિલે વિસ્ફોટકનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું અને એકે બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. 


વિસ્ફોટકનું ટેસ્ટિંગ થયું 
નોઈડામાં સુપરટેક ટ્વીન ટાવર કે જે આવતા મહિને તોડી પાડવાના છે, તેમાં વિસ્ફોટ કરવા માટે જરૂરી વિસ્ફોટકોની યોગ્ય માત્રાની ખાતરી કરવા માટે રવિવારે વિસ્ફોટનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું અને બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો.  ગયા વર્ષે 31 ઓગસ્ટના તેના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે નોઈડામાં ઉપરોક્ત ટાવર તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. બંને ટાવરને તોડી પાડવાનો  કોન્ટ્રાક્ટ એડફિસ એન્જિનિયરિંગને આપવામાં આવ્યો હતો અને હવે ટ્વીન ટાવર્સના છેલ્લા દિવસોનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને હવેથી 43 દિવસ પછી એટલે કે 22મી મેના રોજ બંને ટાવરને  તોડી પાડવામાં આવશે.


5 કિલો વિસ્ફોટકોનો ઉપયોગ કરાયો 
રવિવારે ટ્રાયલ દરમિયાન 5 કિલો વિસ્ફોટકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને બિલ્ડિંગના 14મા માળે પાંચ નાના વિસ્ફોટ કરવામાં આવ્યા હતા.દરમિયાન, એડિફિસ એન્જિનિયરિંગ દ્વારા શનિવારે ટેસ્ટ બ્લાસ્ટ પહેલા પડોશી વિસ્તારોમાં રહેતા લોકોને એક એડવાઈઝરી જાહેર  કરવામાં આવી હતી, જેમાં તેમને બ્લાસ્ટ દરમિયાન ઘરની અંદર રહેવા માટે કહેવામાં આવ્યું હતું.



કાટમાળ હટાવવા ત્રણ મહિના લાગશે 
અગાઉ, એડિફિસના ભાગીદાર ઉત્કર્ષ મહેતાએ જણાવ્યું હતું કે ટ્વીન ટાવર્સના મોટા કાટમાળને હટાવવામાં ત્રણ મહિનાનો સમય લાગી શકે છે. ઉત્કર્ષ  મહેતાએ જણાવ્યું હતું કે લગભગ 3000-4000 કિલો વિસ્ફોટકોનો ઉપયોગ ટાવર તોડી પાડવાની પ્રક્રિયા માટે કરવામાં આવશે. મહેતાએ જણાવ્યું હતું કે તેઓ શોક ટ્યુબ ડિટોનેટરનો ઉપયોગ કરશે, જે નાના વ્યાસના હોલો પ્લાસ્ટિક ટ્યુબિંગનું બિન-ધાતુ સ્વરૂપ છે.તેમણે કહ્યું કે આ ઈમારતને તોડવામાં માત્ર નવ સેકન્ડનો સમય લાગશે. પણ કાટમાળ હટાવાવ ત્રણ મહિના જેટલો સમય લાગશે.