શ્રીનગરમાં સુરક્ષાદળો  અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. આ અંગે માહિતી આપતા કાશ્મીર ઝોન પોલીસે જણાવ્યું કે એન્કાઉન્ટર શરૂ થઈ ગયું છે અને ઓપરેશન હજુ પણ ચાલુ છે. તેમણે એમ પણ જણાવ્યું કે પોલીસ અને CRPF ની ટીમો સ્થળ પર તૈનાત છે.


બીજી તરફ શનિવારે અનંતનાગ જિલ્લાના સિરહામા વિસ્તારમાં એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબાનો એક આતંકવાદી કમાન્ડર માર્યો ગયો હતો, જ્યારે કુલગામમાં બીજા ઓપરેશનમાં આતંકવાદીઓ અંધારાનો લાભ લઈને સ્થળ પરથી ભાગવામાં સફળ થયા હતા. આઈજીપી વિજય કુમારે જણાવ્યું કે, રેડવાની બાલા કુલગામના રહેવાસી લશ્કરના કમાન્ડર નિસાર અહેમદ ડારને સિરહામામાં માર્યો ગયો છે. તે વિસ્તારમાં અનેક ગુનાઓ અને હત્યાઓમાં સામેલ હતો. 6 મે 2021થી સક્રિય હતો. અગાઉ, પોલીસ અને સેનાની સંયુક્ત ટીમે સિરહામામાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું અને સર્ચ દરમિયાન, સંયુક્ત ટીમ સંદિગ્ધ સ્થળે પહોંચતા જ છુપાયેલા આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો, ત્યારબાદ એન્કાઉન્ટર શરૂ થયું હતું.


અથડામણ  બાદ આતંકીઓ ભાગવામાં સફળ રહ્યા હતા


બીજા ઓપરેશનમાં દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના દમહાલ હાંજીપોરાના ચાકી સમદ ગામમાં સુરક્ષા દળોની સંયુક્ત ટીમ સાથેની ટૂંકી અથડામણ  પછી આતંકવાદીઓ ભાગવામાં સફળ થયા. આ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી વિશે ચોક્કસ માહિતી પર સુરક્ષા દળોએ કોર્ડન અને સર્ચ ઓપરેશન (CASO) શરૂ કર્યા પછી સવારે લગભગ 4 વાગ્યે એન્કાઉન્ટર શરૂ થયું. ગોળીબાર શરૂ થતા છુપાયેલા આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો અને કોર્ડન તોડવા માટે ગ્રેનેડ ફેંક્યા.