નવી દિલ્હી: દિલ્હીમાં કેજરીવાલ સરકારે વિધાનસભાનું એક દિવસીય સત્ર બોલાવ્યું હતું. આ સત્ર દરમિયાન કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદા પર ચર્ચા દરમિયાન જોરદાર હંગામો થયો હતો. ચર્ચા દરમિયાન કેંદ્ર સરકાર પર પ્રહાર કરતા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કૃષિ કાયદાની કોપી દિલ્હી વિધાનસભામાં ફાડી હતી.



મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું કે કૃષિ કાયદાને કોરોના મહામારી દરમિયાન સંસદમાં પારિત કરવાની શું ઉતાવળ હતી. કેંદ્ર આરોપ લગાવતા મુખ્યમંત્રીએ કહ્યું કે એવું પ્રથમ વખત થયું છે કે રાજ્યસભામાં મતદાન વગર 3 કાનૂન પાસ કરવામાં આવ્યા છે. કેજરીવાલે કેંદ્રને અપીલ કરી છે કે અંગ્રેજોથી ખરાબ ના બનો.

સીએમ કેજરીવાલે કેંદ્રના ત્રણેય કૃષિ બિલને ફાડતા કહ્યું તે ખેડૂતો સાથે વિશ્વાસઘાત ન કરી શકે. તેમણે કહ્યું દિલ્હી વિધાનસભામાં આજે ત્રણ કાળા કાયદાને રદ્દ કરવામાં આવ્યા છે અને કેંદ્ર સરકારને અપીલ છે કે તેઓ આ કાયદાને પરત લે. તેમણે કહ્યું આપણા ખેડૂતો ઠંડીમાં સુઈ રહ્યા છે.

કૃષિ બિલની કોપી ફાડવાને લઈ ભાજપે કહ્યું આ મુખ્યમંત્રી દેખોડો કરી રહ્યા છે. દિલ્હી ભાજપે ટ્વિટ કરી કહ્યું 'કેજરીવાલ જી તમે તો 23 નવેમ્બરે જ દિલ્હીમાં કેંદ્રના કૃષિ કાયદાને લાગુ કરી દીધો હતો. ખેડૂત ભાઈઓ અને દિલ્હીની જનતા તમારા બેવડા વલણથી પરિચિત થઈ ગઈ છે. આ દેખાડો કરવાનું બંધ કરો.'

મુખ્યમંત્રી કેજરીવાલે કેંદ્રને પૂછ્યું તમે કેટલી શહાદત લેશો. દરેક ખેડૂત ભગત સિંહ બની ગયો છે. દિલ્હી વિધાનસભામાં કેજરીવાલે કહ્યું 20થી વધારે ખેડૂત આ આંદોલનમાં શહીદ થઈ ગયા છે. દરરોજ એક ખેડૂત શહીદ થઈ રહ્યો છે.