Farmers Protest: CJIએ કહ્યું, પ્રદર્શન ખેડૂતોનો હક, કમિટી બનાવીને ઉકેલ લાવો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 17 Dec 2020 01:31 PM (IST)
દિલ્હીની સરહદો પર કૃષિ કાયદા સામે ખેડૂતોના આંદોલનનો આજે 22મો દિવસ છે.
નવી દિલ્હીઃ દિલ્હીની સરહદો પર કૃષિ કાયદા સામે ખેડૂતોના આંદોલનનો આજે 22મો દિવસ છે. આંદોલનકારી ખેડૂતોને હટાવવાની માંગ પર સુપ્રીમ કોર્ટમાં આજે ફરીથી સુનાવણી થઈ રહી છે. સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે કહ્યું, ખેડૂતોને પ્રદર્શનનો હક છે પરંતુ તે કેવી રીતે થાય તેના પર ચર્ચા થઈ શકે છે. અદાલતે કહ્યું કે, અમે પ્રદર્શનના અધિકાર પર તરાપ ન મારી શકીએ. પ્રદર્શનનો અંત આવવો જરૂરી છે, અમે પ્રદર્શનના વિરોધમાં નથી પણ વાતચીત થવી જોઈએ. ચીફ જસ્ટિસે કહ્યું, ખેડૂતો અમારી વાત માને તેમ લાગતું નથી. અત્યાર સુધીની ચર્ચા સફળ નથી થઈ તેથી કમિટી બનાવવી જરૂરી છે. એટોર્ની જનરલે અપીલ કરી છે કે 21 દિવસથી સડકો બંધ છે તે ખુલવી જોઈએ. ત્યાં લોકો માસ્ક વગર બેઠા છે, આ સ્થિતિમાં કોરોનાનો ખતરો છે. હરીશ સાલ્વેએ કહ્યું, આ પ્રદર્શનથી દિલ્હીવાસી પ્રભાવિત થયાછે. ટ્રાન્સપોર્ટર પર અસર પડી છે. જો સડકો બંધ રહેશે તો દિલ્હીવાસીઓને મુશ્કેલી પડશે.