જયપુર: રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત વિધાનસભા સત્ર બોલાવવા પર અડગ છે. તેને લઈને ગેહલોત આજે કૉંગ્રેસ ધારાસભ્ય સાથે રાજભવન પહોંચ્યા હતા અને રાજ્યપાલ કલરાજ મિશ્ર સાથે મુલાકાત કરી હતી. તે દરમિયાન ધારાસભ્યોએ રાજભવન પરિસરમાં નારેબાજી કરી હતી. સૂત્રો અનુસાર, રાજ્યપાલે વિધાનસભા સત્ર બોલાવવાનો ઈનકાર કરી દીધો છે.


સીએમ ગેહલોતનું કહેવું છે કે, “ઉપરથી દબાણ હોવાના કારણે રાજ્યપાલ વિધાનસભા સત્ર બોલાવી શકતા નથી. મુખ્યમંત્રીએ દાવો કર્યો છે કે, તેઓની પાસે બહુમત છે અને વિધાનસભામાં ‘દૂધનું દૂધ અને પાણીનું પાણી ’ સાબિત થઈ જશે. ગેહલોતે પોતાના સમર્થક ધારાસભ્ય સાથે રાજભવન તરફ રવાના થતા પહેલા સંવાદદાતાઓ સાથે આ વાત કરી હતી.

ગેહલોતે કહ્યું, “અમારું માનવું છે કે, ઉપરથી દબાણના કારણે તેઓ હાલમાં વિધાનસભા સત્ર બોલવવાના નિર્દેશ નથી આપી રહ્યાં. આ વાતનું અમને દુખ છે, જ્યારે અમે સત્ર બોલાવવા માંગીએ છે.”

કેબિનેટના નિર્ણય બાદ અમે માનનીય રાજ્યપાલને પત્ર લખીને આગ્રહ કર્યો કે, વિધાનસભા સત્ર બોલાવવામાં આવે અને ત્યાં રાજકીય સ્થિતિ, કોરોના તથા લોકડાઉન બાદ આર્થિક સ્થિતિ પર ચર્ચા કરવામાં આવે. અમને આશા હતી કે, રાતે જ વિધાનસભા સત્ર બોલાવવાના આદેશ અપાશે, રાતભર અમે રાહ જોઈ પરંતુ તેમનો કોઈ જવાબ મળ્યો નહીં.

ગેહલોતે કહ્યું, અમે વિધાનસભા સત્ર બોલાવવા માટે તૈયાર છે. રાજ્યપાલ સાથે ટેલીફોન પર વાતચીત થઈ, મે ફરી આગ્રહ કર્યો કે આપનું બંધારણીય પદ છે જેની ગરિમા હોય છે અને તેના આધાર પર અવિલંબ નિર્ણય કરો. સત્ર અમે સોમવારથી શરૂ કરવા માંગીએ છીએ. જ્યાં ‘દૂધનું દૂધ અને પાણીનું પાણી ’ થઈ જશે.