Punjab Cabinet Expands: પંજાબની માન સરકારે તેના કેબિનેટનું વિસ્તરણ કર્યું છે, આજે સોમવારે AAPના પાંચ ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ લીધા હતા. રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતે મુખ્યમંત્રી ભગવંત માનની હાજરીમાં પંજાબના નવનિયુક્ત મંત્રીમંડળના શપથ ગ્રહણ સમારોહમાં ફૌજા સિંહ સરરી, ઈન્દરબીર સિંહ નિજ્જર, અમન અરોરા, ચેતન સિંહ જૌરમાજરા અને અનમોલ ગગન માનને મંત્રીઓના શપથ લેવડાવ્યા હતા. તેમના કેબિનેટનું વિસ્તરણ કરતા, પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માને સોમવારે પાંચ AAP ધારાસભ્યોને પંજાબ સરકારમાં મંત્રી તરીકે સામેલ કર્યા.


આ વર્ષની શરૂઆતમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન AAP રાજ્યમાં સત્તામાં આવ્યા પછી માનની આગેવાનીવાળી સરકારનું આ પ્રથમ કેબિનેટ વિસ્તરણ હતું. પંજાબના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતે સોમવારે સાંજે પંજાબ રાજભવનના ગુરુ નાનક દેવ ઓડિટોરિયમમાં ધારાસભ્યોને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.



આ કેબિનેટમાં બે વખત સુનામના ધારાસભ્ય અમન અરોરા સિવાય અન્ય ચાર જણ પ્રથમ વખત ધારાસભ્ય બન્યા છે. ડૉ ઈન્દરબીર સિંહ નિજ્જર અમૃતસર દક્ષિણ સીટના ધારાસભ્ય છે, તેમની સાથે ગુરુ હર સહાયનું પ્રતિનિધિત્વ કરતા ફૌજા સિંહ સરાઈને પણ આ કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા છે. સામનાના ધારાસભ્ય ચેતન સિંહ જૌરમાજરા અને ખરડના ધારાસભ્ય અનમોલ ગગન માને  પણ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે.  આ સિવાય અનમોલ ગગન માન બીજી મહિલા છે જે માનની આગેવાની હેઠળની કેબિનેટમાં કેબિનેટ મંત્રી બની છે.


ટૂંક સમયમાં નવા મંત્રીઓને વિભાગોની ફાળવણી કરવામાં આવશે


પંજાબ સરકારના કેબિનેટના વિસ્તરણ બાદ સીએમ ભગવંત માને મીડિયા સાથે વાત કરતા કહ્યું કે AAPના તમામ 92 ધારાસભ્યોને કેબિનેટમાં સ્થાન આપી શકાય નહીં. જેઓને સામેલ કરી શકાશે નહીં તેમને અન્ય જવાબદારીઓ સોંપવામાં આવશે. મને આશા છે કે નવા મંત્રી ઈમાનદારીથી કામ કરશે. માને  જણાવ્યું હતું કે આવતીકાલે અથવા બે દિવસ બાદ નવા મંત્રીઓને પોર્ટફોલિયોની ફાળવણી કરવામાં આવશે. વધુ પાંચ પ્રધાનોના ઉમેરા સાથે, માનની આગેવાની હેઠળના પ્રધાનમંડળની સંખ્યા મુખ્ય પ્રધાન સહિત 15 થઈ ગઈ છે.