કોલકત્તાઃ પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી એક નવા વીડિયોને લઇને ફરી વિવાદોમાં આવી છે. મમતા બેનર્જીનો વીડિયો ઉત્તર 24 પરગના જિલ્લાનો છે, જેમાં કેટલાક લોકો તેના કાફલાની આસપાસ 'જય શ્રીરામ'ના નારા લગાવતા દેખાઇ રહ્યાં છે. આ નારેબાજીના કારણે મમતા લોકો પર ભડકે છે, અને કહી રહી છે કે, આ લોકો બીજેપીના બદમાશો છે. પોલીસે સાત લોકોની અટકાયત કરી લીધી છે. ખરેખર, ગુરુવારે મમતા બેનર્જી પોતાના પાર્ટીના કાર્યકર્તાઓ સાથે થયેલી હિંસક ઝડપ વિરુદ્ધ એક ધરણામાં ભાગ લેવા નૈહાટી જઇ રહી હતી. ત્યારે કેટલાક લોકો તેના કાફલા સામે આવી ગયા અને જય શ્રીરામની નારેબાજી કરવા લાગ્યા હતા. મમતા આનાથી ભડકી અને તરતજ પોતાની જીપમાંથી ઉતરીને લોકોને ચામડી ઉખાડી નાંખવાની ધમકી આપવા લાગી હતી.
મમતા બેનર્જીએ ગુસ્સે બૂમો પાડીને કહ્યું કે, 'અહીં આવો.. હિંમત હોય તો સામે આવો....મને ફેસ કરો...બીજેપીના ગુંડાઓ.... અહીં તમે લોકો અમારા કારણે રહી રહ્યાં છો... તમારા જેવા લોકોને અહીંથી ભગાડી પણ શકુ છું. તમે લોકો બદમાશ લોકો છો. તમારી હિંમત કઇ રીતે થઇ મારા કાફલા પર હુમલો કરવાની... હું તમારા લોકોની ચામડી ઉખાડી નાંખીશ... મને બધા લોકોના નામ જોઇએ જે નારેબાજી કરતાં હતાં, એક એક ઘરની તપાસ થવી જોઇએ.'