પટના: બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે ફરી એક વખત કહ્યું કે અમે એનડીએના નેતૃત્વમાં ચૂંટણી લડશું. નીતીશ કુમારે દાવો કર્યો છે કે કુલ 243 બેઠકોમાંથી અમારુ ગઠબંધન 200થી વધારે બેઠકો પર જીત મેળવશે.

નીતીશ કુમારે કહ્યું રાજ્ય વિધાનસભામાં એનઆરસી અને એનપીઆર વિરૂદ્ધ સર્વસમ્મતિથી એક પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો છે, સીએએ પર શાંતિ રાખવી જોઈએ જ્યાં સુધી આ મામલો કોર્ટમાં છે. વિવાદોથી બચવું જોઈએ.

જેડીયૂ અધ્યક્ષે રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર એનપીઆર ને લઈને કહ્યું, આ 2010ના ફોર્મેટ પર કરાવવામાં આવશે અને તેના માટે અમે વિધાનસભામાં પ્રસ્તાવ પાસ કર્યો છે.

નીતીશ કુમારે પટનાના ગાંધી મેદાનમાં જેડીયૂ કાર્યકર્તાઓની રેલીમાં કહ્યું, આરજેડી અને કૉંગ્રેસે અલ્પસંખ્યકોના મત માંગ્યા, પરંતુ અમે તેમના માટે કામ કર્યું. અમે ભાગલપુર દંગાના દોષિતોને સજા અપાવી પીડિતોને ન્યાય અપાવ્યો છે. તેમણે દાવો કર્યો કે કાયદો અને વ્યવસ્થા સારી થઈ છે.

ઉલ્લેખનીય છે કે બિહારમાં આ વર્ષે સપ્ટેમ્બર ઓક્ટોબર મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ શકે છે. 2015ની ચૂંટણીમાં જેડીયૂ આરજેડી અને કૉંગ્રેસ સાથે ગઠબંધન કરી ચૂંટણી લડી હતી અને શાનદાર જીત મેળવી હતી.બાદમાં જેડીયૂએ બંને પક્ષો સાથે ગઠબંધન તોડી ભાજપ સાથે હાથ મિલાવ્યા હતા.