પટનાઃ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર આજે પોતાના મંત્રીમંડળનું વિસ્તરણ કરશે. સૂત્રોના મતે નીતિશના મંત્રીમંડળમાં શ્યામ રજક, નરેન્દ્ર નારાયણ યાદવ, નીરજ કુમાર, સંજય ઝા, રંજૂ ગીતા, અશોક ચૌધરી સામેલ થઇ શકે છે. તે સિવાય કેટલાક નવા ચહેરાઓને પણ સામેલ કરવામાં આવી શકે છે. આ નવા ધારાસભ્યોને રાજ્યપાલ લાલજી ટંડન રવિવારે સવારે સાડા અગિયાર વાગ્યે પદ અને ગોપનિયતાના શપથ લેવડાવશે.


મુખ્યમંત્રી નીતિશ કુમારે શનિવારે રાજ્યપાલ સાથે મુલાકાત કરીને મંત્રીમંડળના વિસ્તરણની જાણકારી આપી હતી. નીતિશ કુમારે કેબિનેટમાં હાલમાં 11 મંત્રીઓના પદ ખાલી છે. નોંધનીય છે કે બિહાર વિધાનસભામાં કુલ  243 બેઠકો છે જેમાંથી મુખ્યમંત્રી સહિત કુલ 36 મંત્રી બનાવવામાં આવી શકે છે. જેમાં હાલમાં 25 મંત્રી છે જ્યારે અન્ય વધુ 11 મંત્રીઓ બનાવી શકાય છે.

લોકસભા ચૂંટણી દરમિયાન બિહાર સરકારના મંત્રી લલ્લન સિંહ અને દિનેશ યાદવના સાંસદ બની જવાના કારણે બે મંત્રીઓના પદ ખાલી થઇ ગયા છે. આ વિસ્તારથી નીતિશ કુમાર બિહારના જાતિના સમીકરણને સાધવાનો પ્રયાસ કરશે. નીરજ કુમાર ભૂમિહાર જાતિમાંથી આવે છે. રંજૂ ગીતાને મહિલા ક્વોટામાંથી મંત્રી બનાવવામાં આવી શકે છે. તે યાદવ સમુદાયથી આવે છે. તે અશોક ચૌધરી અને લલન પાસવાન દલિત અને અતિપછાત સમાજમાંથી આવે છે. અશોક ચૌધરી કોગ્રેસમાંથી જેડીયૂમાં સામેલ થયા હતા જ્યારે પાસવાન આરએલએસપીમાંથી જેડીયૂમાં આવ્યા છે.