જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ સ્પષ્ટપણે કહ્યું છે કે તેઓ રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવા માટે ભાજપ સાથે ગઠબંધન કરવા કરતાં રાજીનામું આપવાનું પસંદ કરશે. તેમણે કહ્યું, "ચૂંટણી પછી, મારી પાસે ભાજપને સામેલ કરવાનો વિકલ્પ હતો, પરંતુ અમે તેમ ન કર્યું. જો અમે ભાજપને સરકારમાં સામેલ કર્યો હોત તો કદાચ અત્યાર સુધીમાં અમે રાજ્યનો દરજ્જો પાછો મેળવી લીધો હોત, પરંતુ હું તેમ કરવા તૈયાર નથી."

Continues below advertisement

જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ તેમના નેતાઓ અને કાર્યકરોને પૂછ્યું, "શું તમે સત્તા મેળવવા માટે તે સોદો કરવા તૈયાર છો ? જો તમે છો, તો મને કહો. કારણ કે હું તે સોદો કરવા તૈયાર નથી. જો સરકારમાં કોઈને સામેલ કરવું જરૂરી હોય તો કૃપા કરીને મારું રાજીનામું સ્વીકારો અને બીજા ધારાસભ્યને મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરો અને ભાજપ સાથે સરકાર બનાવો. હું તેમ કરવા તૈયાર નથી."

ઓમર અબ્દુલ્લાએ મહેબૂબા મુફ્તીનો ઉલ્લેખ કર્યો

ઓમર અબ્દુલ્લાએ પીડીપીના વડા મહેબૂબા મુફ્તીનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું, "જેમ મહેબૂબા મુફ્તીએ 2016 માં કર્યું હતું, તેમ ભાજપ વગર પણ સરકાર બનાવી શકાઈ હોત. કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ પણ તૈયાર હતા. ભાજપને સત્તાથી દૂર રાખી શકાઈ હોત. તે સમયે, બહાનું એ હતું કે જમ્મુને પ્રતિનિધિત્વની જરૂર હતી. અમે ભાજપને સામેલ કર્યા વગર જમ્મુને આ સરકારમાં પ્રતિનિધિત્વ આપ્યું. આજે ભાજપ વગર  નાયબ મુખ્યમંત્રી  જમ્મુના છે."

પરિસ્થિતિ બગડવામાં વધુ સમય લાગતો નથી - ઓમર અબ્દુલ્લા

અગાઉ, મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ સોમવારે (30 સપ્ટેમ્બર) કહ્યું હતું કે કેન્દ્રશાસિત પ્રદેશના લોકો રાજ્યના દરજ્જાની માંગણીમાં ધીરજ રાખી રહ્યા છે, પરંતુ કેન્દ્ર સરકારે આનો લાભ ન ​​લેવો જોઈએ. અબ્દુલ્લાએ ચેતવણી આપી હતી, "પરિસ્થિતિ બગડવામાં વધુ સમય લાગતો નથી. અમે નથી ઇચ્છતા કે અહીં ફરીથી નિર્દોષોનું લોહી વહે.  અમે શાંતિપૂર્ણ રીતે અમારી માંગણીઓ ઉઠાવતા રહીશું." 

2019 માં  કેન્દ્ર સરકારે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 રદ કરી  તેને બે કેન્દ્રશાસિત પ્રદેશો (UT) માં વિભાજીત કર્યું.  લદ્દાખને બીજા કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે બનાવવામાં આવ્યું. જો કે, બંધારણીય સુધારામાં એવી જોગવાઈ છે કે જમ્મુ અને કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશ  જેમાં વિધાનસભા છે  તેને ભવિષ્યમાં રાજ્ય તરીકે પુનર્ગઠન કરી શકાય છે.