Himachal Pradesh News: હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. રાજ્યમાં આપદાનો સમયગાળો હજુ પૂરો થયો નથી. રાજ્યભરમાંથી નુકસાનની તસવીરો સામે આવી રહી છે. આ દરમિયાન  રાજ્યના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ તમામ જિલ્લાના ડેપ્યુટી કમિશનરો પાસેથી ગ્રાઉન્ડ ઝીરોનો રીપોર્ટ માંગ્યો છે.  મુખ્યમંત્રી સુખવિંદર સિંહે બુધવારે શૈક્ષણિક સંસ્થાઓમાં રજાની જાહેરાત કરી છે. આ અંગે આદેશો પણ જારી કરવામાં આવ્યા છે.






હિમાચલ પ્રદેશમાં સ્થિતિ હજુ પણ ખરાબ છે. આવી સ્થિતિમાં બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પહેલા સરકારે સોમવારે શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. મંગળવારે સ્વતંત્રતા દિવસની રજાના કારણે શૈક્ષણિક સંસ્થાઓ પહેલેથી જ બંધ હતી. હવે બુધવારે પણ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે.


છેલ્લા 24 કલાકમાં 60 લોકોના મોત થયા છે


સુખવિંદર સિંહે કહ્યું કે આવતીકાલે હિમાચલમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે. ભૂસ્ખલનની ઘટના કૃષ્ણનગરમાં જોવા મળી છે અને તેમણે કહ્યું કે આ ઘટનાઓ સતત બની રહી છે અને છેલ્લા 24 કલાકમાં 60 લોકોના મોત થયા છે. મુખ્યમંત્રીએ કહ્યું કે હવામાનને જોતા બુધવારે રાજ્યમાં શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે. સીએમએ કહ્યું કે અસુરક્ષિત ઘરોને ખાલી કરાવવામાં આવી રહ્યા છે અને જે લોકો નાળાની નજીક રહે છે તેમને પણ ત્યાંથી દૂર કરવામાં આવશે.


બચાવ કાર્યમાં લાગેલી ટીમ


બીજી તરફ સિમલામાં પણ વરસાદનો કહેર જોવા મળ્યો છે. ક્યાંક ડુંગર તૂટી પડ્યા છે તો ક્યાંક મકાનો ધરાશાયી થઈ રહ્યા છે. આને લગતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મંગળવારે પણ શિમલામાં ભૂસ્ખલન થયું હતું, જેના કારણે ઘણા મકાનો પત્તાની જેમ ધરાશાયી થયા હતા.  પોલીસ, એસડીઆરએફ, એનડીઆરએફ અને સેનાની ટીમ બચાવ કાર્યમાં લાગેલી છે.