ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના પિતા આનંદ સિંહ બિષ્ટનું આજે દિલ્હીની એમ્સમાં નિધન થયું છે. મુખ્ય સચિવ અવનીશ કુમાર અવસ્થીએ જમાવ્યું હતું કે, આજે સવારે 10:44 મીનિટે યોગી આદિત્યનાથના પિતાએ અંતિમ શ્વાસ લીધા હતાં. યોગીના પિતાને આજ મહિનાની 14 તારીખે એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતાં.


યોગી આદિત્યનાથના પિતા આનંદ બિષ્ટ વેંટીલેટર પર હતાં. આનંદ બિષ્ટને લાંબા સમયથી આંતરડાની બિમારી હતી. આ પહેલા પણ તેમને ઘણીવાર સ્વાસ્થ્ય સંબંધીની સમસ્યાને લઈને એમ્સમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.

યોગી આદિત્યનાથના પિતા આનંદ સિંહ ઉત્તરાખંડના યમકેશ્વરના પંચૂર ગામમાં રહેતા હતાં. તેઓ ઉત્તરાખંડમાં ફોરેસ્ટ રેંજરના પદથી 1991માં નિવૃત્ત થઈ ચુક્યાં હતા. ત્યાર બાદ જ તેઓ પોતાના ગામમાં રહેતા હતાં.

યોગી આદિત્યનાથ બાળપણમાં જ પોતાનો પરિવાર છોડીને ગોરખપુર મહંત અવૈદ્યનાથ પાસે ચાલ્યા ગયાં હતા. ત્યાર બાદ યોગી આદિત્યનાથે મહંત તરીકે અવૈદ્યનાથનું સ્થાન ગ્રહણ કર્યું હતું. ઉત્તરાખંડમાં ચૂંટણી સમયે યોગી ઘણીવાર ત્યાં ચૂંટણી પ્રચાર માટે જઈ ચુક્યાં છે. આ દરમિયાન તેમના પરિવારજનો તેમને મળે છે.