પાલઘરઃ દેશમાં એક બાજુ કોરોના સંકટનો સામનો કરી રહ્યું છે ત્યારે બીજી તરફ અફવાની આગે નવું સંકટ પેદા કરી દીધું છે. મહારાષ્ટ્રના પાલઘરમાં અફવા ત્રણ લોકોનો જીવ લીધો છે. મહારાષ્ટ્ર સરકારે કહ્યું કે, ધર્મ વિશેષને લઈ આ હત્યા નથી થઈ. સરકારે આ મામલાને ધાર્મિક રંગ ન આપવાની અપીલ કરી છે.

અફવાના કારણે ટોળાએ મહારાષ્ટ્રના પાલઘરમાં પોલીસની હાજરીમાં જ ત્રણ લોકોની હત્યા કરી નાંખી હતી. પોલીસે આ મામલે 101 લોકોની ધરપકડ કરી છે, જ્યારે 9 સગીરોને બાળ સુધારણા ગૃહમાં મોકલવામાં આવ્યા છે. પોલીસે હત્યા, દંગા કરવા તથા સરકારી કર્મચારી પર હુમલો કરવાનો કેસ નોંધ્યો છે.

સમગ્ર ઘટનાક્રમ પર એક નજર

- ગુરુવારની સાંજે બે સાધુ કાંદિવલીથી ડ્રાઈવર સાથે સુરત આવવા નીકળ્યા હતા.
- પાલઘરના જે ગામમાંથી પસાર થવાના હતા ત્યાં અપહરણ અને ચોરીની અફવા ફેલાઈ હતી.
- લોકડાઉનની આડમાં અપહરણ કરવામાં આવતું હોવાની અફવા ફેલાઈ હતી.
- અફવી એવી પણ હતી કે અપહરણ કરીને લોકોની કિડની કાઢી લેવામાં આવે છે.

આ અફવાના કારણે ત્યાંથી પસાર થતાં ત્રણ લોકો ભોગ બન્યા હતા. આ હત્યા પોલીસની હાજરીમાં થઈ હોવાથી બીજેપીએ કડક કાર્યવાહીની માંગ કરી છે.

બીજેપી પ્રવક્તા સંબિત પાત્રાએ ટ્વિટ કરીને કહ્યું, મહારાષ્ટ્રના પાલઘરમાં 2 સંત અને તેમના ડ્રાઇવરને ટોળા દ્વારા નિર્દયતાથી મોતને ઘાટ ઉતારવામાં આવ્યા. આ ઘટના ગુરુવારની છે. કોઈ લોકશાહી કે બંધારણના દાખલા નથી આપી રહ્યા, આપે પણ કેવી રીતે... આ સંતોનું મૃત્યુ થયું છે, અહીં સંતોનું કોણ પૂછે છે?