નવી દિલ્હીઃ અયોધ્યામાં રામ મંદિર નિર્માણને લઇને હલચલ શરૂ થઇ ગઇ છે. રામ મંદિરના નિર્માણને લઇને ક્યારેક વટહુકમ લાવવાની માંગ થઇ રહી છે તો ક્યારેક પર્સનલ મેમ્બર બિલ લાવવાની વાત થઇ રહી છે. આ બધા વચ્ચે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અયોધ્યામાં રામ મંદિરને લઇને નિવેદન આપ્યું છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સંકેત આપ્યો છે કે દિવાળી બાદ રામ મંદિરને લઇને કામ શરૂ થઇ જશે. નોંધનીય છે કે મુખ્યમંત્રી યોગી રાજસ્થાનના બિકાનેરમાં હતા અને આ દરમિયાન તેમણે કહ્યું કે દિવાળી બાદ કામ શરૂ થઇ જશે.

વાસ્તવમાં શનિવારે રાજસ્થાનના બિકાનેરમાં યોગી આદિત્યનાથે કહ્યું કે, આ દિવાળીમાં એક દિવો ભગવાન રામના ના નામે પ્રગટાવો, ત્યાં બહુ જલદી કામ શરૂ થશે. આપણે દિવાળી બાદ તેને કરવાનું છે. નોંધનીય છે કે આ વર્ષે અયોધ્યામાં છેલ્લા વર્ષે કરતા પણ વધુ ભવ્ય રીતે દિવાળી મનાવવાની તૈયારી ચાલી રહી છે. આ વર્ષે લગભગ 3 લાખ દિવાઓ પ્રગટાવવામાં આવશે.

નોંધનીય છે કે શનિવારે કેન્દ્રિય મંત્રી ઉમા ભારતીએ કહ્યું  કે, હું રામ જન્મભૂમિ આંદોલનમાં સક્રીય રીતે સામેલ હતી. આ સાથે જોડાયેલા એક કેસની સુનાવણી ચાલી રહી છે. મને તેના પર ગર્વ છે. રામ મંદિરનું નિર્માણ મારુ સપનું છે. આ માટે મારા તરફથી જે કાંઇ કરવાનું થશે એ માટે હું તૈયાર છું. જ્યારે કેન્દ્રિય મંત્રી પીપી ચૌધરીએ કહ્યું કે રામ મંદિર બનવું જોઇએ. કેસ સુપ્રીમ કોર્ટમાં છે અને અમે ઇચ્છીએ છીએ કે તેના પર જલદી નિર્ણય આવે. હું સરકાર વિશે નથી જાણતો. પણ મારો અંગત મત છે કે જો ન્યાયમાં મોડું થાય છે તો કાયદો બનાવી શકાય છે.