નવી દિલ્હી: પોતાની નિવેદનોના કારણે હંમેશા ચર્ચામાં રહેતા કૉંગ્રેસના સાંસદ શશિ થરૂર ફરી એકવાર વિવાદોમાં સપડાયા છે. વડપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વિવાદિત નિવેદન આપવા બદલ તેની સામે દિલ્હીની એક અદાલતમાં માનહાનિનો કેસ કરવામાં આવ્યો છે. દિલ્હી ભાજપના નેતા રાજીવ બબ્બરે તેની વિરુદ્ધ કેસ કર્યો છે કે થરૂરના નિવેદનથી તેની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી છે.
ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે હું ભગવાન શિવનો ભક્ત છું, આરોપી (શશિ થરૂરે) કરોડો શિવ ભક્તોની ભાવનાઓને નજરઅંદાજ કરતા આ નિવેદન આપ્યું છે. જે ભારત અને દેશની બહાર તમામ શિવભક્તોની લાગણી દુભાય તેવું છે. ફરિયાદમાં ભાજપ નેતાએ કહ્યું કે, તેનાથી મારી ધાર્મિક લાગણીને ઠેસ પહોંચી છે અને આરોપીએ જાણી જોઈને આ દ્વેષપૂર્ણ કામ કર્યું છે, જેની મંશા શિવ ભક્તોની ધાર્મિક માન્યતાઓનું અપમાન કરી તેની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનું છે.
નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા શશિ થરૂરે વડાપ્રધાન મોદી પર ટિપ્પણી કરી હતી. થરૂરે ટિપ્પણી કરતા કહ્યું હતું કે ‘મોદી શિવલિંગ પર બેઠેલા વીંછી જેવા છે. જેને તમે હાથથી હટાવી નથી શકતા અને ચપ્પલથી મારી પણ નથી શકતા.’
કૉંગ્રેસ નેતા શશિ થરૂરે ભાજપ દ્વારા તેમની વિરુદ્ધ આપરાધિક માનહાનિની ફરિયાદને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર તરાપ હોવાનું જણાવ્યું હતું.