બેંગ્લોર: દેશમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. કોરોનાની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઈ છે. દેશના અનેક રાજ્યોમાં આ મહામારીના કારણે સંપૂર્ણ લોકડાઉન અને નાઈટ કર્ફ્યૂના પ્રતિબંધો લાગુ છે. ત્યારે કર્ણાટકના મુખ્યમંત્રી યેદિયુરપ્પાએ સંપૂર્ણ લૉકડાઉન અંગેની જાહેરાત કરી છે. રાજ્યમાં આગામી 10 મેથી 24 મે સુધી સંપૂર્ણ લોકડાઉન રહેશે. આ દરમિયાન અનિવાર્ય સેવાઓને જ છૂટછાટ આપવામાં આવશે.
મુખ્યમંત્રીએ કહ્યું આ લોકડાઉન અસ્થાયી છે, મારી પ્રવાસી મજૂરોને અપીલ છે કે તેઓ રાજ્ય છોડીને ન જાય. તેમણે કહ્યું કે લોકડાઉનમાં સવારે 10 વાગ્યા બાદ એકપણ વ્યક્તિને અવર-જવરની મંજૂરી નહી આપવામાં આવે. મે પોલીસ અધિકારીઓને કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે.
બીએસ યેદિયુરપ્પાએ કહ્યું કે રાજ્યમાં ચેપને કારણે વધી રહેલા મૃત્યુદરને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ લોકડાઉન લગાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સમય દરમિયાન, કોઈ પણ વ્યક્તિને સવારે 10 વાગ્યા પછી શેરીમાં ફરવા અથવા ઘરની બહાર આવવાની મંજૂરી આપવામાં આવશે નહીં. સંપૂર્ણ લોકડાઉન દરમિયાન, તમામ નિયમોનું યોગ્ય પાલન થાય તે સુનિશ્ચિત કરવા રાજ્ય સરકારને કડક સૂચના આપવામાં આવી છે.
કર્ણાટકમાં ગુરવારે કોરોના સંક્રમણના 49,058 નવા કેસ સામે આવ્યા હતા અને 328 લોકોના મોત થયા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 17,90,104 લોકો સંક્રમિત થયા છે અને 17,212 દર્દીઓના મોત થયા છે.