લખનઉ: દેશમાં સતત વધી રહેલા કોરોના વાયરસના કહેરને લઈને કેંદ્ર સરકાર દ્વારા પગલા ઉઠાવવામાં આવી રહ્યા છે. તમામ રાજ્યો પણ કોરોના સામે લડવા માટે યોગ્ય પગલા ઉઠાવી રહ્યા છે. એવામાં દેશમાં અનેક રાજ્યોમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તરપ્રદેશમાં યોગી સરકારે પણ રાજ્યમાં લોકડાઉનની જાહેરાત કરી છે. ઉત્તરપ્રદેશમાં 27 માર્ચ સુધી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. પ્રદેશના તમામ બોર્ડરને સીલ કરવામાં આવી છે. જે લોકો લોકડાઉનનું પાલન નહી કરે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.



દેશમાં કોરોના વાયરસના વધી રહેલા કેસને જોતા ઉત્તરપ્રદેશમાં 3 દિવસ માટે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. પંજાબ અને મહારાષ્ટ્રમાં આ પહેલા જ કર્ફ્યૂનો અમલ કર્યો છે. ગુજરાતમાં પણ એક દિવસ પહેલા જ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. કોરોનાના સંક્રમણને ફેલાવાથી રોકવા માટે 30 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ સંપૂર્ણપણે લોકડાઉનની જાહેરાત કરી છે.

ભારતમાં કોરોનાનો વ્યાપ સતત વધી રહ્યો છે. દેશમાં કોરોના વાઈરસ સંક્રમિતોની સંખ્યા 513 થઇ ગઇ છે. જ્યારે કે કોરોનાને કારણે અત્યાર સુધીમાં કુલ 11 લોકોના મોત થયા છે. દેશમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. મહારાષ્ટ્રમાં કોરોનાના પોઝિટીવ દર્દીઓની સંખ્યા 100ને પાર પહોંચી છે. મહારાષ્ટ્રમાં કોરોનાના સત્તાવાર દર્દીઓ 101 નોંધાયા છે. બીજા નંબરે કેરળમાં કુલ 95 કેસ નોંધાયા છે.