નવી દિલ્હીઃ કોરોના વાયરસને ફેલાવતો અટકાવવા માટે હરિયાણાની ભાજપ સરકાર અને પંજાબની કોગ્રેસ સરકાર પોત-પોતાના રાજ્યોમાં સેનિટાઇઝરની બોટલો વહેંચી રહી છે. આ સેનિટાઇઝરની બોટલો પર મુખ્યમંત્રીઓની તસવીરો લાગી છે જેને લઇને વિપક્ષે વિરોધ નોંધાવ્યો હતો. હરિયાણામાં સેનિટાઇઝર બોટલો પર મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર અને નાયબ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલાની તસવીરો લગાવવામાં આવી છે જ્યારે પંજાબમાં મુખ્યમંત્રી અમરિંદર સિંહની તસવીરો લગાવી છે.




અકાલી દળના નેતા ડો.દલજીત ચીમાએ કહ્યું કે, તેમનો પુરતો પ્રયાસ હતો કે દેશના આ મુશ્કેલ સમયમાં રાજનીતિની વાત કરવામાં ના આવે પરંતુ જે રીતે કેપ્ટન અમરિંદર સિંહની સરકારે ગરીબોને આપેલી લોટની થેલીઓ અને સેનિટાઇઝરની બોટલો પર મુખ્યમંત્રીની તસવો લગાવી તેને જોઇને અફસોસ થઇ રહ્યો છે. સરકાર આવા સમયમાં પણ પોતાના પ્રચારમાં લાગી છે.

બીજી તરફ હરિયાણામાં સેનિટાઇઝરની બોટલો પર મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર અને નાયબ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલાની તસવીરો મામલામાં કોગ્રેસના રાજ્યસભાના સાંસદ દીપેન્દ્ર હુડ્ડાએ કહ્યું કે, દુર્ભાગ્યપૂર્ણ છે કે આવી કપરી સ્થિતિમાં સેનિટાઇઝર સહિતની જરૂરી સામગ્રીઓ ખરીદી કરવામાં આવી રહી છે તેના પર હરિયાણા સરકાર તરફથી પોતાનો પ્રચાર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ભાજપ-જેજેપીને લાગી રહ્યુ છે કે દેશમાં બીમારી નથી તેમની ચૂંટણી રેલી ચાલી રહી છે. આ સમય રાજનીતિ નહી સેવા કરવાનો છે.