નવી દિલ્હીઃ મહારાષ્ટ્રની પલૂસ-કડેગાવ વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં કોગ્રેસના વિશ્વજીત કદમનો બિનહરિફ વિજય થયો છે. આ બેઠકના વિશ્વજીતના પિતા અને કોગ્રેસના વરિષ્ઠ નેતા પતંગરાવ કદમનું નિધન થતા બેઠક ખાલી પડી હતી.
એક રિપોર્ટ પ્રમાણે, અહી અગાઉ બીજેપીએ કોગ્રેસના ઉમેદવાર વિશ્વજીત કદમ વિરુદ્ધ સંગ્રામસિંહ દેશમુખને ઉતાર્યા હતા પરંતુ અંતિમ સમયે તેમણે નામાંકન પાછું ખેંચી લીધું હતું. નોંધનીય છે કે આ બેઠક પર એનસીપી અને શિવસેનાએ પતંગરાવને શ્રદ્ધાંજલિ સ્વરૂપે વિશ્વજીત કદમને સમર્થન આપ્યું હતું. ત્યારબાદ બીજેપીના નેતા ભડકી ઉઠ્યા હતા. બાદમાં પૂર્વ મંત્રી હર્ષવર્ધન પાટીલે બીજેપી નેતાઓએ આ બેઠક પર ઉમેદવાર ઉભા રાખ્યા નહોતા.
મહારાષ્ટ્રના રેવન્યુ મંત્રી ચંદ્રકાંત પાટીલે બીજેપી નેતાઓ સાથે ચર્ચા કરીને સંગ્રામ સિંહ દેશમુખનુ નામાંકન પાછું ખેંચાવી લીધું હતુ. રાજકીય જાણકારોના મતે બીજેપીએ આ પગલું શિવસેનાના દબાણ બાદ ઉઠાવ્યું હતું. વાસ્તવમાં સાંસદ સંજય રાઉતે પતંગરાવને શ્રદ્ધાંજલિ સ્વરૂપે વિશ્વજીત કદમને સમર્થન આપવાની જાહેરાત કરી હતી. બીજી તરફ એનસીપીએ પણ તેને સમર્થન આપ્યુ હતું.
બીજેપીના ઉમેદવાર સંગ્રામ સિંહ દેશમુખ સાંગલી જિલ્લા પરિષદના અધ્યક્ષ છે અને જિલ્લા સહકારિતા બેન્કના ડિપ્ટી ચેરમેન પણ છે. તે પૂર્વ ધારાસભ્ય સંપતરાવ દેશમુખના દીકરા છે અને બીજેપી સાંગલી જિલ્લાધ્યક્ષ પૃથ્વીરાજ દેશમુખના ભાણિયા છે.