કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ 24 જૂને પાર્ટીના મહાસચિવો અને પ્રભારીઓની બેઠક બોલાવી છે. સૂત્રો મુજબ કૉંગ્રેસ પાર્ટી સામાન્ય લોકો સાથે જોડાયેલા મોંઘવારીના મુદ્દા પર રસ્તા પર ઉતરવાની તૈયારી કરી રહ્યું છે. સોનિયા ગાંધી દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં મુખ્ય રીતે આ મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે. 


કેંદ્રની મોદી સરકારને ઘેરવા માટે આ બેઠકમાં પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતો અને મોંઘવારી સાે આંદોલન કરવાને લઈ કૉંગ્રેસના મોટા નેતાઓ રણનીતિ બનાવશે.



મહત્વનું છે કે કોંગ્રેસની આ બેઠક એવા સમયે થઈ રહી છે, જ્યારે કોઈ વરિષ્ઠ નેતાઓએ બળવાનું રૂપ અપનાવ્યું છે. આ સિવાય રાજસ્થાન અને પંજાબ જેવા રાજ્યોમાં આંતરીક વિવાદ ચાલી રહ્યો છે. પંજાબમાં કેપ્ટન અમરિંદર સિંહ અને નવજોત સિંહ સિદ્ધૂ એકબીજાની વિરુદ્ધ આવી ગયા છે. આ સિવાય રાજસ્થાનની વાત કરીએ તો સચિન પાયલટ જૂથના ધારાસભ્યોએ મોર્ચો ખોલી રાખ્યો છે, તો બીએસપીથી આવેલા 6 ધારાસભ્યો અને 13 અપક્ષ ધારાસભ્યો પણ સત્તામાં ભાગીદારી માંગી રહ્યાં છે. તેના કારણે લીડરશિપ પણ મુશ્કેલીમાં છે અને હાલમાં કોઈ હલ દેખાતો જોવા મળી રહ્યો નથી. 


હાલમાં જ પેટ્રોલ ડીઝલની વધતી કિંમતોને લઈ કૉંગ્રેસે દેશવ્યાપી પ્રદર્શન કર્યું હતું. પરંતુ પેટ્રોલ ડિઝલના કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે અને ઘણા રાજ્યોમાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લીટરને પાર પહોંચી ગયું છે. એવામાં કૉંગ્રેસ ફરી એક વખત રસ્તા પર ઉતરવાની તૈયારી કરી રહી છે.


સૂત્રોની જાણકારી અનુસાર કોરોના સંક્રમણને લઈ કૉંગ્રેસ તરફથી શરૂ કરવામાં આવી રહેલા સર્વેને લઈને પણ ચર્ચા કરવામાં આવશે. વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી યોજાનારી આ બેઠક 24 જૂન સવારે 10 વાગ્યે શરુ થશે. 


 


દેશમાં કોરોનાની સ્થિતિ


દેશમાં 88 દિવસ બાદ કોરોના વાયરસના સૌથી ઓછા કેસ નોંધાયા છે. સાથે જ સતત બીજા દિવસે 60 હજારથી ઓછા કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડા અનુસાર, વિતેલા 24 કલાકમાં 53256 નવા કોરોનાના કેસ આવ્યા છે અને 1422 લોકોના મોત થયા છે. આ પહેલા 23 માર્ચના રોજ 47262 કોરોના કેસ નોંધાયા હતા. વિતેલા દિવસે 78190 લોકો કોરોનાથી ઠીક પણ થયા છે એટલે કે ગઈકાલે 26356 એક્ટિવ કેસ ઘટ્યા છે.


 


દેશમાં સતત 39માં દિવસ કોરોના વાયરસના નવા કેસની સંખ્યા કરતાં રિકવર થયેલ દર્દીની સંખ્યા વધારે નોંધાઈ છે. 20 જૂન સુધી દેશભરમાં 28 કરોડ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. વિતેલા દિવસોમાં 30 લાખ 39 હજાર રસી આપવામાં આવી હતી. જ્યારે અત્યાર સુધી 39 કરોડ 24 લાખથી વધારે કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. વિતેલા દિવસે અંદાજે 14 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા જેનો પોઝિટિવીટી રેટ અંદાજે 3 ટકા કરતાં વધારે હતો.