મુંબઇઃ શિવસેનાએ કોગ્રેસને ઉભી કરી છે. આ દાવો કોગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યો છે. મીડિયા સાથેની વાતચીતમાં જયરામ રમેશે કહ્યું હતું કે, કોગ્રેસે 60ના દાયકામાં મુંબઇના ટ્રેડ યુનિયનોનો સામનો કરવા માટે શિવસેનાને પ્રોત્સાહન આપ્યું હતું. દિલ્હીમાં એક કાર્યક્રમમાં જયરામ રમેશે કહ્યું કે, જોકે, વિચારધારા મામલામાં શિવસેના અને કોગ્રેસ વિપરીત પાર્ટીઓ હતી પરંતુ આ પાર્ટીને પ્રારંભિક તબક્કામાં મોટી થવામાં કોગ્રેસના બે નેતાઓએ મહત્વની ભૂમિકા નિભાવી હતી.


જયરામ રમેશે કહ્યું કે, અમે શિવસેનાના વૈચારિક વિરોધી હતી પરંતુ એ વાત ભૂલવી જોઇએ નહી કે 1967ના દાયકામાં કોગ્રેસ નેતા એસ.કે પાટિલ અને વી.પી નાયકે શિવસેનાની રચના માટે અનેક પ્રકારની જવાબદારી લીધી હતી. તેમનો હેતું એ સમયે મુંબઇમાં ટ્રેડ યુનિયન્સ AITUC અને CITUના એકાધિકારને ખત્મ કરવાનો હતો.

જયરામ રમેશે શિવસેના અને કોગ્રેસના જૂના ઇતિહાસ અંગેના તથ્યો જણાવ્યા હતા. રમેશે કહ્યું કે, આપણે એ ભૂલવું ના જોઇએ કે 1980માં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે અબ્દુલ રહેમાન અંતુલેનું સમર્થન કરનારા બાલ ઠાકરે પ્રથમ નેતા હતા. આ બાલ ઠાકરે એ હતા જેમણે એનડીએના વલણથી અલગ જઇને રાષ્ટ્રપતિ પદ માટે પ્રતિભા પાટિલનું સમર્થન કર્યું હતું.