મુંબઈ: ગુરૂવારે ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. હવે મહારાષ્ટ્રમાં આજે બહુમત પરીક્ષણ થશે. રવિવારે સ્પીકરની ચૂંટણી થશે જ્યારે સોમવારે રાજ્યપાલનું અભિભાષણ થશે. શિવેસના-એનસીપી અને કૉંગ્રેસ ગઠબંધનનો દાવો છે કે તેમની પાસે 162 ધારાસભ્યોનું સમર્થન છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં બહુમત માટે જાદુઈ આંકડો 145 છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં કુલ 288 બેઠકો છે.

ઉલ્લેખનીય છે કે વિધાનસભા ચૂંટણીમાં શિવસેનાને 56, કૉંગ્રેસને 44 અને એનસીપીને 54 બેઠકો મળી છે. ત્રણેય પક્ષોના આંકડાને જોડવામાં આવે તો 154 થાય છે. એટલે કે ત્રણેય પક્ષો મળી સરળતાથી બહુમતી સાબિત કરી શકે છે. અન્ય કેટલાક નાના પક્ષોનું પણ મહા વિકાસ અઘાડીને સમર્થન છે.

રાજ્યમાં ભાજપ 105 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી બની હતી. ભાજપે શિવસેના સાથે મળી ચૂંટણી લડી હતી પરંતુ બંને પક્ષો વચ્ચે સરકાર બનાવવાને લઈને સહમતિ ન થઈ શકી. રાજ્યપાલે જ્યારે સરકાર બનાવવા ભાજપને આમંત્રણ આપ્યું ત્યારે તેમણે કહ્યું તેમની પાસે સંખ્યા નથી. પરંતુ નાટકીય ઘટનાક્રમ વચ્ચે 23 નવેમ્બરે અજિત પવારે દેવેંદ્ર ફડણવીસને સમર્થન આપી દિધુ હતું. બાદમાં સવારે આઠ વાગ્યે દેવેંદ્ર ફડણવીસએ મુખ્યમંત્રી અને અજિત પવારએ ઉપ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા.

જ્યારે 26 નવેમ્બરના બપોરે ત્રણ વાગ્યા આસપાસ અજિત પવારે ઉપ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું હતું. બાદમાં દેવેંદ્ર ફડણવીસે પણ રાજ્યપાલને રાજીનામું સોંપી દિધુ હતું. આ રીતે આશરે 80 કલાકમાં જ ફડણવીસની સરકાર પડી ગઈ હતી.