નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીમાં મળેલી હાર બાદ કોંગ્રેસમાં હાહાકાર મચી ગયો છે. પાર્ટી મનોમંથન કરવા લાગી છે. એકબાજુ રાહુલ ગાંધી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ પદેથી રાજીનામું આપવા અડ્યા છે ત્યારે બીજીબાજુ કોંગ્રેસે પોતાના બધા પ્રવક્તાઓ માટે એક ફરમાન જાહેર કર્યુ છે.

પાર્ટીએ પોતાના પ્રવક્તાઓને કોઇપણ પ્રકારના ટીવી શૉ કે ડિબેટમાં એક મહિના સુધી ના જવાના આદેશ આપ્યો છે. પાર્ટી સુત્રોનું કહેવું છે કે, અત્યાર જ હાર થઇ છે, એટલે ટીવી ડિબેટમાં જઇને મોદી સરકારનો વિરોધ કરવો લોકોને ગમશે નહીં.



નવા ફરમાનને જાહેર કરતાં કોંગ્રેસ મીડિયા ઇન્ચાર્જ રણદીપ સિંહ સુરજેવાલાએ ટ્વીટર પર લખ્યુ, 'કોંગ્રેસે એક મહિના માટે ટીવી ડિબેટમાં પ્રવક્તાઓને ના મોકલવાનો નિર્ણય કર્યો છે. બધી મીડિયા ચેનલો-એડિટરોને અનુરોધ છે કે તે પોતાના શૉમાં કોંગ્રેસના પ્રતિનિધિઓને ના બોલાવે.'