આજે વિશ્વાસમત અંગે થયેલા મતદાનમાં કૉંગ્રેસ અને જેડીએસના ગઠબંધનને 99 મતો મળ્યા હતા જ્યારે ભાજપને 105 મત મળ્યા હતા. કર્ણાટકમાં કૉંગ્રેસ અને જેડીએસના બળવાખોર 16 ધારાસભ્યોના રાજીનામાં બાદ કુમારસ્વામીની સરકાર પર સંકટ હતું. કર્ણાટક ભાજપે માગ કરી હતી કે કૉંગ્રેસ-જેડીએસની સરકાર અલ્પમતમાં આવી ગઈ છે. જેથી કુમારસ્વામીની સરકારે વિશ્વાસમત લેવો જોઈએ અને બહુમત સાબિત કરવો જોઈએ. ત્યારબાદ આ સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો.
કર્ણાટકના નાટકનો આજે અંત આવ્યો હતો. એક સપ્તાહથી ચાલતા રાજકીય ઘમાસાણમાં આજે ફ્લોર ટેસ્ટ થયો હતો. કુમારસ્વામીએ વિશ્વાસમત સદનમાં રજૂ કર્યો હતો. ત્યારબાદ તેના પર મતદાન થયું હતું. આ પહેલાં કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાએ વિશ્વાસ મતનું કહ્યું હતું પરંતુ એ સમયમર્યાદામાં પણ વિશ્વાસ મત માટે વિધાનસભામાં મતદાન થઈ શક્યું ન હતું.