કૉંગ્રેસે જાહેર કર્યો ‘ધરોહર’ સીરિઝનો પ્રોમો, 1885થી અત્યાર સુધીની કૉંગ્રેસની યાત્રા અને યોગદાનનું વર્ણન
એબીપી અસ્મિતા વેબ ટીમ | 15 Aug 2020 03:57 PM (IST)
આઝાદીના પર્વ પર કૉંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ‘ધરોહર’નામની સીરિઝનો પ્રોમો જાહેર કર્યો છે. વીડિયોમાં વર્ષ 1885થી લઈને અત્યાર સુધીની કૉંગ્રેસની યાત્રા અને યોગદાનને દર્શાવવામાં આવ્યું છે.
નવી દિલ્હી: સમગ્ર દેશ આજે 74મો સ્વાતંત્ર્ય દિવસ ઉજવી રહ્યો છે. ત્યારે આ આઝાદીના પર્વ પર કૉંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ‘ધરોહર’નામની સીરિઝનો પ્રોમો જાહેર કર્યો છે. વીડિયોમાં વર્ષ 1885થી લઈને અત્યાર સુધીની કૉંગ્રેસની યાત્રા અને યોગદાનને દર્શાવવામાં આવ્યું છે. આ પ્રોમોમાં કૉંગ્રેસના તમામ નેતાઓ સાથે નરસિમ્હા રાવ અને સીતારામ કેસરી પણ નજર આવી રહ્યાં છે. આ સીરીઝમાં લગભગ 300 નાના નાના વીડિયો બનાવવામાં આવ્યા છે, બે વીડિયો દર અઠવાડિયે જાહેર કરવામાં આવશે. રાહુલ ગાંધીએ પૂર્વ વડાપ્રધાન પંડિત જવાહર લાલ નેહરુના એક નિવેદનનો હવાલો આપતા ટ્વીટ કરી કે, “સર્વવિનાશ, સહ-અસ્તિત્વનો એકમાત્ર વિકલ્પ છે. સ્વતંત્રતા દિવસની સૌને શુભકામનાઓ.” પ્રિયંકા ગાંધીએ સ્વતંત્રતા દિવસ પર જવાનો, સ્વાસ્થ્યકર્મિઓ, સફાઈકર્મી, ખેડૂતો અને શ્રમિકોને નમન કરતા કહ્યું કે, “બિલદાનની કિંમત ચૂકવીને, લાંબા સંઘર્ષ બાદ ભારતને આઝાદી મળી છે. કરોડો હિંદુસ્તાની એકજૂટ થઈને સત્ય માટે લડ્યા અને જીત્યા. જીવનની બાજી લગાવીને આપણે આપણી આઝાદીની રક્ષા કરવાની છે.” કૉંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પીએમ મોદીના સંબોધન બાદ સવાલ કર્યો કે, આખરે, શા માટે ચીનનું નામ લેવામાં ડરે છે, સુરજેવાલાએ એ પણ કહ્યું કે, હવે દરેક દેશવાસીએ સરકારને આ સવાલ કરવો પડશે કે, ચીનને ભારતની સરજમી પરથી કેવી રીતે પાછળ ખસેડવામાં આવે.