નવી દિલ્હીઃ કોગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને રાજ્યસભાના સભ્ય પી.એલ. પુનિયા સાથે ટ્રેનના એસી કોચમાં લૂંટની ઘટના  બની હતી. પુનિયાએ ટ્વિટ કરીને આ મામલામાં પીએમઓ પાસે મદદ માંગી હતી. કોગ્રેસ નેતા પુનિયાએ  રાજધાની દિલ્હીમાં ટ્રેનના એસી કોચમાંથી પોતાના મોબાઇલ ફોન લૂંટના મામલામાં વડાપ્રધાન ઓફિસ અને રેલવે મંત્રાલયને કાર્યવાહી કરવાનો આગ્રહ કર્યો હતો.


એક રિપોર્ટ અનુસાર, પુનિયા બુધવાર રાત્રે 12230 નવી દિલ્હી-લખનઉ મેલમાંથી લખનઉ જઇ રહ્યા હતા. ટ્રેન જેવી જ દિલ્હીથી રવાના થઇ તો એક યુવક એસી કોચના કેબિનમાં ઘૂસ્યો અને તેમનો મોબાઇલ ફોન ઉઠાવીને ઝડપથી ભાગી ગયો હતો અને ધીમી ચાલી રહેલી ટ્રેનમાંથી કૂદી પડ્યો હતો.

પુનિયાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આ જાણકારી આપી હતી.  તેમણે ટ્વિટ કરી જણાવ્યુ હતુ કે, 12230 દિલ્હી-લખનઉ મેલના એસી કોચ એચ એ-1ના કેબિનમાં  સફર કરી રહ્યો હતો. દિલ્હીથી ટ્રેન રવાના થયાના પાંચ મિનિટ બાદ જ એક યુવક કેબિનમાં ઘૂસ્યો અને સેલફોન ઉઠાવીને ભાગી ગયો તથા ધીમી ચાલી રહેલી ટ્રેનમાંથી કૂદી પડ્યો હતો. કાર્યવાહી માટે વિનંતી.