નવી દિલ્હી: પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ કરતારપુર કૉરિડોર ખુલ્યા બાદ 9 નવેમ્બરે પ્રથમ જથ્થા સાથે પાકિસ્તાન જશે. મનમોહન સિંહે પ્રથમ જથ્થા સાથે કરતારપુર સાહિબ જવાનું પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહના આમંત્રણનો સ્વીકાર કર્યો છે. આ પહેલા પાકિસ્તાન સરકારે પણ મનમોહન સિંહને કરતારપુર સાહિબ આવવા માટે આમંત્રણ મોકલ્યું હતું. પરંતુ મનમોહન સિંહે પાકિસ્તાનનના આમંત્રણ પર કરતારપુર જવાનો ઈનકાર કરી દિધો હતો.


પૂર્વ પ્રધાનમંત્રીને કરતારપુર સાહિબ જવા આમંત્રણ આપવા માટે અમરિંદર સિંહ દિલ્હી પહોંચ્યા હતા. અમરિંદર સિંહે મનમોહન સિંહને ગુરૂ નાનક દેવની 550મી જયંતી પર કરતારપુર સાહિબ જવા માટે આમંત્રણ આપ્યું હતું.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન સ્થિત કરતારપુર સાહિબ ગુરુદ્વારામાં ગુરૂનાનક દેવના દર્શન માટે શ્રદ્ધાળુઓ પાસે પાસપોર્ટ હોવો જરૂરી છે. જો કે અહીં દર્શન કરવા જતા શ્રદ્ધાળુઓને પાકિસ્તાનના વિઝા લેવાની જરૂર નથી પરંતુ તેમની પાસે પાસપોર્ટ હોવો જોઈએ અને સાથે તેમણે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું પડશે.