નવી દિલ્હીઃ ગુજરાત કોંગ્રેસના નેતા હાર્દિક પટેલની ધરપકડ મામલે પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ બીજેપી સરકાર પર નિશાન સાધ્યું છે. પ્રિયંકા ગાંધીએ રવિવારે ટ્વિટ કરીને લખ્યું, યુવાઓને રોજગાર અને ખેડૂતોના હકની લડાઈ લડનારા યુવા હાર્દિક પટેલને બીજેપી વારંવાર પરેશાન કરી રહી છે.


હાર્દિકે તેના સમાજના લોકો માટે અવાજ ઉઠાવ્યો, તેમના માટે નોકરિયો માંગી, છાત્રવૃત્તિ માંગી, ખેડૂત આંદોલન કર્યું. બીજેપી આને દેશદ્રોહ કહી રહી છે.



ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા હાર્દિક પટેલની શનિવારે વિરમગામ નજીક આવેલી હાંસલપુર ચોકડી પાસેથી પોલીસે ધરપકડ કરી હતી. રાત્રે જજના ઘરે રજૂ કરવામાં આવ્યા બાદ તેને અમદાવાદની સેન્ટ્રલ જેલમાં લઈ જવામાં આવ્યો હતો.


ગઈકાલે કોર્ટે પાટીદાર અનામત આંદોલન મામલે હાર્દિક સામે બિનજામીનપાત્ર વોરંટ કાઢ્યું હતું. કોર્ટે વારંવાર હાર્દિકને હાજર રહેવા સૂચના આપી હોવા છતાં હાજર રહેતો નહોતો. સેશન્સ કોર્ટે અવલોકન કરીને નોંધ્યું કે, હાઇકોર્ટની સૂચના છતાં વારંવાર ગેરહાજર રહે તે યોગ્ય નથી.

આ ઉપરાંત કોર્ટે હાર્દિકની હાજર રહેવામાંથી મુક્તિ માટે કરેલી અરજીને પણ ફગાવી દીધી હતી. આજે આ મામલે કોર્ટે સુનાવણી હાથ ધરી હતી જેમાં ચિરાગ પટેલ અને દિનેશ બાંભણિયા હાજર રહ્યાં હતા. આ મામલે આગામી સુનાવણી 24મી જાન્યુઆરીએ હાથ ધરવામાં આવશે.


શું છે પૂરો મામલો

25 ઓગસ્ટ 2015ના રોજ અમદાવાદના GMDC મેદાનમાં પાટીદાર અનામત આંદોલન રેલી બાદ રાજ્યભરમાં તોડફોડ અને હિંસા થઈ હતી. જે બાદ ક્રાઈમ બ્રાંચે તે વર્ષે ઓક્ટોબરમાં કેસ નોંધ્યો હતો. પોલીસે તેની ચાર્જશીટમાં હાર્દિક અને તેના કેટલાક સાથીઓ પર હિંસા ફેલાવવાનો તથા ચૂંટાયેલી સરકારને પાડી દેવાનું ષડયંત્ર રચ્યું હોવાનો આરોપ લગાવ્યો હતો.