નવી દિલ્હીઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દેશમાં વધી રહેલો કોરોના વાયરસના મામલાને લઈ કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલે કહ્યું, લોકડાઉનના ચારેય તબક્કા ફેલ રહ્યા છે. પ્રધાનમંત્રી મોદીએ પહેલા 21 દિવસનું લોકડાઉન કર્યુ, પરંતુ તેનો કોઈ ફાયદો ન થયો. આગળની રણનીતિ અંગે પીએમે લોકોને જણાવવું જોઈએ.


રાહુલ ગાંધીએ કહ્યું, જે થવાનું હતું તે ન થયું. દેશને ખબર હોવી જોઈએ કે સરકારની આગળની રણનીતિ શું છે. લોકડાઉન લાગુ થયાને 60 દિવસ પૂરા થઈ ચુક્યા છે. પરંતુ મહામારી ઘટવાના બદલે વધતી જ રહી છે. પ્રવાસી મજૂરો પરેશાન છે, સરકાર તેમની મુશ્કેલી અને મુસીબતોને કેવી રીતે દૂર કરશે ?


મોદી સરકાર વિપક્ષને ગંભીરતાથી નથી લઈ રહી ? આ સવાલ પર રાહુલ ગાંધીએ કહ્યું અમારું કામ સરકાર પર દબાણ નાંખવાનું છે. મેં ફેબ્રુઆરીમાં કહી દીધું હતું કે સ્થિતિ વધારે ખતરનાક હશે. સરકારે લોકોને રોકડ સહાય આપવી જોઈએ. સરકારે આર્થિક મોર્ચે ખૂબ કામ કરવાની જરૂર છે.


રાહુલ ગાંધીએ કહ્યું, પેકેજ અંગે અનેક પ્રેસ કોન્ફરન્સ થઈ. આપણને ખૂબ આશા હતી. પીએમ મોદીએ કહ્યું કે, તે જીડીપીની 10 ટકા હશે. વાસ્તવિકતા એ છે કે તે જીડીપીના 1 ટકાથી પણ ઓછું છે અને તેમાં પણ મોટાભાગની લોન છે, કેશ નથી. મજૂર ભાઈ-બહેનો, MSMEsની મદદ કેવી રીતે કરશો ? આ રાજનીતિ નથી પરંતુ મારી ચિંતા છે. બીમારી વધી રહી છે તેથી આ સવાલ હું પૂછી રહ્યો છું.