લખનઉઃ ઉન્નાવ રેપ કેસની પીડિતાએ સફદરજંગ હોસ્પિટલમાં શુક્રવારે રાત્રે 11:40 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. હાર્ટએટેકને કારણે પીડિતાનું મૃત્યુ નીપજ્યું હોવાનું ડોક્ટરે જણાવ્યું હતું. મહત્વનું છે કે, પીડિતાએ પોતાની અંતિમ ક્ષણોમાં તેના ભાઈને કહ્યું હતું કે, ‘હુ જીવવા માગું છું’. ઉલ્લેખનીય છે કે, ઉત્તરપ્રદેશના ઉન્નાવમાં જામીન પર છૂટેલા સામુહિક દુષ્કર્મના આરોપીઓએ પીડિત યુવતીને જીવતી સળગાવી દીધી હતી. રાજધાનીના સફદરગંજ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી પીડિતાની હાલત નાજુક હતી, તેને વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી.


સફદરજંગ હોસ્પિટલના બર્ન એન્ડ પ્લાસ્ટિક સર્જરી વિભાગના પ્રમુખ ડૉ.શલભ કુમારે કહ્યું કે અમારા શ્રેષ્ઠ પ્રયાસો છતાંય પીડિતાને બચાવી શકયા નથી. સાંજે તેની સ્થિતિ ખરાબ થવા લાગી હતી. રાત્રે 11.10 વાગ્યે તેને કાર્ડિયર અરેસ્ટ આવ્યો. તેની સારવાર શરૂ કરાઇ અને તેને બચાવાની પૂરો પ્રયત્ન કર્યો પરંતુ 11.40 વાગ્યે તેનું મોત થઇ ગયું.

યુપીથી લઈ દેશના દરેક રાજ્યોમાં પીડિતાના મોત પર દુઃખ વ્યક્ત કરવામં આવી રહ્યું છે અને લોકો તેમનો ગુસ્સો વ્યકત કરી રહ્યા છે. હવે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે, આ ઘટનાએ માનવતાને શરમસાર કરી દીધી છે. ઘટનાથી ગુસ્સામાં અને સ્તબ્ધ છું.

રાહુલ ગાંધીએ શું કર્યુ ટ્વિટ

રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું, ઉન્નાવની માસૂમ દીકરીના દુઃખદ અને હૃદયદ્રાવક મોત, માનવતાને લજવનારી ઘટનાથી આક્રોશમાં અને સ્તબ્ધ છે. વધુ એક દીકરીએ ન્યાય અને સુરક્ષાની આશામાં જીવ ગુમાવ્યો. દુઃખની આ ઘડીમાં પીડિત પરિવાર પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છુ.