નવી દિલ્હી: લોકસભા ચૂંટણી પહેલા કૉંગર્સે અલ્પસંખ્યકોના મતદારોને રીઝવવાના પ્રયાસમાં લાગી ગઈ છે. તેના માટે કૉંગ્રેસે રાષ્ટ્રીય લઘુમતિ સમ્મેલનનું આયોજન કર્યું છે. આ સન્મેલનમાં કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા ત્યારે મહિલા કૉંગ્રેસ અધ્યક્ષ સુષ્મિતા દેવે ત્રણ તલાકને લઇને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આગામી લોકસભા ચૂંટણીમાં કૉંગ્રેસની સરકાર બનશે તો તેઓ "ત્રિપલ તલાક" નો કાયદો રદ્દ કરી નાખશે.
મહિલા કૉંગ્રેસ અધ્યક્ષ સુષ્મિતા દેવે કહ્યું હતું કે "જો અમારી સરકાર બનશે તો અમે "ત્રણ તલાક" નો કાયદો રદ્દ કરી નાખીશું' તેમણે ઉમેર્યું કે, આ કાનૂન મુસ્લિમ પુરુષોને જેલમાં મોકલવાના કારસા સમાન છે. સુષ્મિતા દેવે કહ્યું કે કોંગ્રેસ એકવારમાં ત્રણ તલાક આપવાની વિરુદ્ધમાં છે પરંતુ તેની સામે બનેલા કાયદાનું તે સમર્થન નથી કરતી.
ઉલ્લેખનીય છે કે ત્રિપલ તલાક પર જે ખરડો સરકાર લાવી હતી અને તે માત્ર લોકસભામાં પાસ થયું છે. જો કે આ ખરડો રાજ્યસભામાં પાસ થયું નથી તેથી ત્રણ તલાક પર કાયદો બન્યો નથી. સુપ્રીમ કોર્ટે 22 ઓગસ્ટ 2017નાં રોજ એકવારમાં ત્રણ તલાકને અસંવૈધાનિક જાહેર કર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે આ રીતે અપાયેલ તલાકને કાયદાકીય રીતે તલાક નવામાં નહીં આવે. જોકે આ નિર્ણયમાં મહિલાઓનાં અધિકારની રક્ષાનાં સંબંધમાં કોઇ ગાઇડલાઇન નક્કી નથી કરી. કોર્ટે નિર્દેશ કર્યો હતો કે કેન્દ્ર સરકાર આ સંબંધમાં બિલ તૈયાર કરે અને સંસદમાં તેને પાસ કરાવીને કાયદો બનાવે.