નવી દિલ્હી:  પંજાબમાં મંત્રી પદેથી રાજીનામાં બાદ કૉઁગ્રેસ નવજોત સિંદ્ધુને  દિલ્હી પ્રદેશ સંગઠનની કમાન સોંપી શકે છે. સિદ્ધુને જલ્દી અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી શકે છે. જો કે આ નિર્ણય અંગે કોઈ ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ આ રેસમાં સિદ્ધુ સૌથી મજબૂત ઉમેદવાર માનવામાં આવી રહ્યા છે.


કહેવામાં આવી રહ્યું  છે કે પંજાબમાં નવજોત સિંહ સિદ્ધુના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ સાથે લાંબા સમયથી ચાલી રહેલા વિવાદના કારણે સિદ્ધુને  દિલ્હી મોકલવાનો નિર્ણય લેવામાં આવી શકે છે.

ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી અમરિંદર સિંહ અને નવજોત સિદ્ધુ વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. લોકસભા ચૂંટણીમાં પંજાબમાં કોગ્રેસને સારી બેઠકો નહી મળવાનો દોષ અમરિંદર સિંહે સિદ્ધુ પર ઢોળ્યો હતો અને કેન્દ્રિય નેતૃત્વ વિરુદ્ધ સિદ્ધુ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી હતી. એટલું જ નહી મુખ્યમંત્રીએ લોકસભા ચૂંટણી બાદ છ જૂનના રોજ થયેલી કેબિનેટની પ્રથમ જ બેઠકમાં સિદ્ધુ સહિત અનેક મંત્રીઓના વિભાગ બદલ્યા હતા. સિદ્ધુ પાસે પહેલા સ્થાનિક સ્વશાસન અને પર્યટન તથા સંસ્કૃતિ વિભાગ હતો પરંતુ બાદમાં તેમને ઉર્જા અને નવીનકરણ ઉર્જા વિભાગ સોંપાયો હતો.

સિદ્ધુએ લાંબા સમય સુધી નવા વિભાગનુ પદ સંભાળ્યો નહોતો. તેના બાદ તેણે રાજીનામું આપી દીધું હતું. સિદ્ધુએ મંત્રી પદેથી પોતાનું રાજીનામું 10 જૂનના રોજ પહેલા કોગ્રેસ નેતા રાહુલ ગાંધીને મોકલ્યું હતું. જો કે બાદમાં મુખ્યમંત્રીને મોકલાવ્યું હતું. જેને તેમણે સ્વીકારી લીધું હતું.