નવી દિલ્હીઃ ટિકટૉકનુ ટશન હવે પોલીસ સ્ટાફ પર પણ ચઢી ગયુ છે. ગુજરાત મહિલા પોલીસના ટિકટૉક વીડિયો બાદ હવે દિલ્હી પોલીસની બે મહિલા કૉન્સ્ટેબલનો એક ટિકટૉક વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં કાયદાને નેવે મુકીને બે મહિલા પોલીસકર્મી પોતાની મસ્તીમાં મસ્ત દેખાઇ રહી છે, ખાખી વર્દીમાં જ કાયદાના લીરેલીરા ઉડાડી રહી છે.

વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં બે લેડી કૉન્સ્ટેબલ વીઆઇપી રૂટ ડ્યૂટી કરી કરી રહી છે, આ દરમિયાન હસી મજાકમાં ફિલ્મી સ્ટાઇલમાં વીડિયો બનાવી રહી છે. આ બન્ને લેડી કૉન્સ્ટેબલ 2018માં દિલ્હી પોલીસમાં ભરતી થઇ હતી.

ઉલ્લેખનીય છે કે, પોલીસ કર્મીનો આ વીડિયો વાયરલ થયા બાદ દિલ્હી પોલીસ હરકતમાં આવી ગઇ છે. પોલીસ એડિશનલ પીપીઆરઓ અનિલ મિત્તલનું કહેવું છે કે આ વીડિયોની તપાસ થઇ રહી છે, બાદમાં એક્શન પણ લેવામાં આવશે.


થોડાક સમય પહેલા ગુજરાત પોલીસની મહિલા કૉન્સ્ટેબલનો પોલીસ સ્ટેશનમાંથી ફિલ્મી સ્ટાઇલનો ટિકટૉક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો બાદ લેડી કૉન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી.