ભોપાલઃ મધ્યપ્રદેશમાં કમલનાથ સરકારને મોટો ઝટકો લાગ્યો છે. ગુરુવારે સાંજે મધ્યપ્રદેશ કોગ્રેસના ધારાસભ્ય હરદીપ સિંહ ડાંગે વિધાનસભાના સભ્યપદેથી પોતાનું રાજીનામું આપ્યું છે. આ રાજીનામું એવા સમયમાં આપ્યું છે જ્યારે મંગળવારે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે કહ્યું હતું કે, તેમની સરકારને કોઇ ખતરો નથી અને તેને લઇને કોઇ ચિંતા કરવાની જરૂર નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હરદીપ સિંહ એ ચાર ધારાસભ્યોમાંથી એક છે જે ગુમ થયાની વાત સામે આવી હતી.


કોગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે આરોપ લગાવ્યો હતો કે ભાજપ  રાજ્ય સરકારે પાડવા માટે કોગ્રેસના ધારાસભ્યોને મોટી રકમની લાલચ આપી રહી છે. કમલનાથે કહ્યું હતું કે, કોગ્રેસના ધારાસભ્યોએ ભાજપ નેતાઓની રૂપિયાની ઓફરની જાણકારી તેમને આપી છે. ભોપાલમાં એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી કમલનાથે કહ્યું કે, ધારાસભ્યોએ મને  જાણકારી આપી હતી કે તેમને મોટી રકમ આપવાનો પ્રસ્તાવ મળી રહ્યો છે. મે ધારાસભ્યોને કહ્યુ કે, જો મફતમાં આ પૈસા મળી રહ્યા હોય તો તેને લઇ લો.