નવી દિલ્હીઃ કોરોના વાયરસના ખતરાને જોતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેલ્જિયમ પ્રવાસ રદ કર્યો છે. જોકે, ભારત અને યુરોપિયન યુનિયન સંમેલનની નવી તારીખની હજુ જાહેરાત કરવામાં આવી નથી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે, જ્યાં સુધી ભારત અને યુરોપિયન સંઘ શિખર સંમેલનની વાત છે જેમાં વડાપ્રધાન મોદી સામેલ થવાના હતા. બંન્ને દેશોના સ્વાસ્થ્ય અધિકારીઓએ ભલામણ કરી હતી કે હાલમાં પ્રવાસ કરવો જોઇએ નહીં. એટલા માટે નિર્ણય લેવામાં આવ્યો છે કે શિખર સંમેલનમાં પારસ્પરિક રીતે સુવિધાજનક તારીખ પર ફરીથી નક્કી કરવામાં આવશે.


તેમણે કહ્યુ કે, આ નિર્ણય યુરોપિય સંઘ અને ભારત વચ્ચે ઘનિષ્ઠ સહયોગી ભાવનાથી લેવામાં આવ્યો છે જે વૈશ્વિક સ્વાસ્થ્ય માટે સમાન ચિતાઓ અને પ્રતિબદ્ધતાને દર્શાવે છે અને આશા કરીએ છીએ કે કોરોના વાયરસનો પ્રકોપ જલદી ખત્મ થઇ જશે.

સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડો. હર્ષવર્ધને સંસદમાં કહ્યું હતું કે, અત્યાર સુધીમાં ભારતમાં કોરોના વાયરસના સંક્રમણના 29 કેસ સામે આવ્યા છે. સરકાર કોરોના વાયરસથી પ્રભાવિત ઇરાનમાં રહેતા ભારતીયોના સ્વદેશ વાપસી માટે ઇરાન સરકારના સંપર્કમાં છે. તેમણે દેશમાં કોરોના વાયરસનો  સામનો કરવા માટે સરકારે લીધેલા પગલાની જાણકારી આપી હતી.