નવી દિલ્હી: મુંબઈ કોંગ્રેસના પ્રમુખ મિલિંદ દેવરાએ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે સચિન પાયલોટ અને જ્યોતિરાદિત્ય સિંધિયાના નામની દરખાસ્ત કરી હતી. દેવરાએ કહ્યું, કોઈ યુવા નેતાને અધ્યક્ષ બનાવવા જોઈએ, પાયલોટ અને સિંઘિયા સક્ષમ છે. દેવરાએ કહ્યું કે તેઓ પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહના નિવેદન સાથે સહમત છે કે કોંગ્રેસના નવા પ્રમુખ યુવા, સક્ષમ વહીવટી અને સંગઠનાત્મક ક્ષમતાઓથી સજ્જ હોવા જોઈએ.


ઉલ્લેખનીય છે કે કૉંગ્રેસ પાર્ટી 10 ઓગસ્ટના પોતાના નવા અધ્યક્ષની પસંદગી કરી શકે છે. આ દિવસે સવારે 11 વાગ્યે દિલ્હીના કૉંગ્રેસ મુખ્યાલયમાં પાર્ટીની વર્કિંગ કમિટીની બેઠક યોજાશે. કૉંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠકમાં રાહુલ ગાંધીનુ રાજીનામુ સ્વીકારવામાં આવશે અને નવા અધ્યક્ષની કમાન અન્ય કોઈ નેતાને સોંપવામાં આવશે.


કૉંગ્રેસ સાંસદ શશિ થરૂરે નવા અધ્યક્ષ માટે ચૂંટણી કરવાની માંગ કરી છે. થરૂરે કહ્યું, તેઓ સીડબ્લ્યૂસીને અપીલ કરે છે કે 10 તારીખની બેઠકમાં વચગાળાના અધ્યક્ષની પસંદગી કરવામાં આવે અને પછી સંગઠનમાં ચૂંટણીના માધ્યમથી નવા પાર્ટી અધ્યક્ષ ચૂંટવામાં આવે. આવું કૉંગ્રેસ અને દેશના હિત માટે હશે.