નવી દિલ્હી: રાહુલ ગાંધીના રાજીનામા બાદ પાર્ટીના નવા અધ્યક્ષની નિમણૂંક કરવા માટે શનિવારે કૉંગ્રેસ વર્કિંગ કમિટીની મહત્વપૂર્ણ બેઠક થશે. સૂત્રો અનુસાર હાલમાં કાર્યકારી અધ્યક્ષની પસંદગી કરવામાં આવશે. થોડાક મહિના બાદ કૉંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી કરવામાં આવી શકે છે. સૂત્રો અનુસાર પાર્ટીના મહાસચિવ મુકુલ વાસનિક અધ્યક્ષ પદની રેસમાં સૌથી આગળ છે. મલ્લિકાર્જૂન ખડગે પણ દાવેદાર માનવામાં આવી રહ્યાં છે.


જો કે બેઠકમાં કોઈ પણ નામ પર સર્વસહમતી ના થાય તો અધ્યક્ષનું નામ નક્કી કરવા માટે સીડબ્લ્યૂસીની એક કમિટીનું ગઠન કરી શકે છે. એક વાત નક્કી છે કે 21 વર્ષ બાદ ગાંધી પરિવારના બહારનો કોઈ નેતા કૉંગ્રેસ અધ્યક્ષ બનશે. રાહુલ ગાંધી પણ સ્પષ્ટતા કરી ચુક્યા છે કે કૉંગ્રેસ અધ્યક્ષ ગાંધી પરિવારની બહારના નેતા બને. નવા પાર્ટી અધ્યક્ષ માટે છેલ્લા એક-દોઢ મહિનામાં કૉંગ્રેસના દિગ્ગજ નેતા પર મંથન પણ કરી ચુક્યા છે.

સૂત્રો અનુસાર કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષની રેસમાં મુકુલ વાસનિક સૌથી આગળ છે. તેમની પાસે કૉંગ્રેસ સંગઠનનો સારો એવો અનુભવ છે. વાસનિક એનએસયુઆઈ અને યૂથ કૉંગ્રેસના અધ્યક્ષથી લઈને પ્રભારી રહી ચુક્યા છે. પ્રભારી મહાસચિવ તરીકે પર તમામ મહત્વપૂર્ણ રાજ્યોમાં કામ કરી ચુક્યા છે. મહારાષ્ટ્રના વાસનિક દલિત સમાજમાંથી આવે છે.

કૉંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે પણ કૉંગ્રેસ અધ્યક્ષની રેસમાં હોવાની વાત ચાલી રહી છે. ખડગેની ઓળખ કર્ણાટકમાં દલિત નેતા તરીકે રહી છે. હાલમાં ખડગે મહારાષ્ટ્રના પ્રભારી મહાસચિવ છે. આ સિવાય કૉંગ્રેસના સંગઠન મહાસચિવ અને રાહુલ ગાંધીના વિશ્વાસું કેસી વેળુગોપાલ પણ અધ્યક્ષની રેસમાં માનવામાં આવે છે. કેરળના વેણુગોપાલ રાહુલના રાજીનામા બાદ તેઓ જ પાર્ટી ચલાવી રહ્યાં છે.