નવી દિલ્લીઃ અરુણાચલની કોગ્રેસ સરકાર એકવાર ફરી સંકટમાં આવી ગઇ છે. શુક્રવારે કોગ્રેસના 43 અને 2 અપક્ષ ધારાસભ્યો પીપલ્સ પાર્ટી ઓફ અરુણાચલ (પીપીએ)માં સામેલ થઇ ગયા છે. ખાસ વાત એ છે કે બળવાખોર ધારાસભ્યોમાં વર્તમાન મુખ્યમંત્રી પેમા ખાંડૂ પણ સામેલ છે. ઉલ્લેખનીય છે કે બે મહિના અગાઉ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કોગ્રેસને રાજ્યમાં ફરીથી સતા મળી હતી.

60 સભ્યોની વિધાનસભામાં કોગ્રેસના 44 ધારાસભ્યો છે જ્યારે 11 ધારાસભ્યો બીજેપીના છે.  તે સિવાય બે અપક્ષ ધારાસભ્યો છે. શુક્રવારે કોગ્રેસના 44માંથી 43 ધારાસભ્યો બીજેપીની સહયોગી પાર્ટી પીપીએમાં સામેલ થઇ ગયા હતા. કોગ્રેસમાં હવે ફક્ત પૂર્વ મુખ્યમંત્રી નબામ તુકી જ છે. ખાંડૂએ કહ્યુ કે, મે વિધાનસભા અધ્યક્ષ સાથે મુલાકાત કરી તેમને આ સૂચના આપી દીધી છે કે અમે કોગ્રેસને પીપીએમાં ભેળવી દીધી છે.