Congress President Election: કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે કોગ્રેસ પાર્ટીના અધ્યક્ષ પદ માટે ઉમેદવારી નોંધાવી છે. તેમનો મુકાબલો કોગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે સામે થશે. ઉમેદવારી નોંધાવતા પહેલા થરૂરે રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે રાજીવ ગાંધી સ્મારકની પણ મુલાકાત લીધી હતી.






શશિ થરૂરે ટ્વિટ કર્યું હતું કે "ભારત એક જૂનું પરંતુ યુવા રાષ્ટ્ર છે. હું માનવતાની સેવામાં ભારતના મજબૂત, સ્વતંત્ર, આત્મનિર્ભર અને વિશ્વના તમામ રાષ્ટ્રોથી આગળ હોવાનું સપનું જોવું છું.


થરૂરે એબીપીને શું કહ્યું?


એબીપી ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં થરૂરે કહ્યું હતું કે હવે સમય આવી ગયો છે કે નિર્ણય ઉપરથી નહીં પરંતુ જિલ્લા સ્તરેથી લેવામાં આવે. અગાઉ ઉપરથી નિર્ણયો લેવાતા હતા. સાંસદે કહ્યું હતું કે, આ સમયે મજબૂત નેતૃત્વની જરૂર છે, જો હું પ્રમુખ બનીશ તો તે જ આપવાનો પ્રયાસ કરીશ. તેમણે કહ્યું કે કેટલીક જગ્યાએ સત્તાવાર ઉમેદવારની વાત ચાલી રહી છે પરંતુ ગાંધી પરિવારે ભારપૂર્વક કહ્યું છે કે તેઓ કોઈને સમર્થન નથી આપી રહ્યા. જ્યારે થરૂરને પૂછવામાં આવ્યું કે શું G-23 કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીમાં તમારી સાથે છે? તેમણે કહ્યું કે હું વ્યક્તિગત ક્ષમતાના આધારે લડી રહ્યો છું. તમે તેમને સવાલ પૂછો.






વાસ્તવમાં કોંગ્રેસના G-23 જૂથના નેતા મનીષ તિવારીએ કહ્યું હતું કે તેઓ અને આનંદ શર્મા પાર્ટી અધ્યક્ષ પદ માટે મલ્લિકાર્જુન ખડગેની ઉમેદવારીનું સમર્થન કરી રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે 17 ઓક્ટોબરે મતદાન થશે અને તેના પરિણામ 19 ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે.