Platform Ticket Price: ફરી એકવાર તમારે પ્લેટફોર્મ ટિકિટ માટે તમારું ખિસ્સું વધારે હળવું કરવું પડશે. દક્ષિણ રેલવેએ જણાવ્યું છે કે પ્લેટફોર્મ ટિકિટના ભાવ બમણા કરવામાં આવી રહ્યા છે. પહેલા જ્યાં તમને 10 રૂપિયામાં ટિકિટ મળતી હતી, હવે તમારે તેના માટે 20 રૂપિયા ખર્ચવા પડશે. રેલવે દ્વારા કહેવામાં આવ્યું છે કે તહેવારો દરમિયાન ભીડને ઓછી કરવા માટે આવું કરવામાં આવ્યું છે.


દક્ષિણ રેલવેએ જણાવ્યું છે કે આ નવી કિંમતો 1 ઓક્ટોબરથી 31 જાન્યુઆરી, 2023 સુધી લાગુ રહેશે. ચેન્નાઈ ડિવિઝનમાં આ કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે. જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ કુલ 8 રેલવે સ્ટેશન આ હેઠળ આવશે. રેલવેએ કહ્યું છે કે આનાથી મુસાફરોને સુવિધા મળશે અને પ્લેટફોર્મ પર વધારાની ભીડને ટાળી શકાશે.



અનેક પ્રસંગોએ કિંમતોમાં વધારો કરવામાં આવે છે


તમને જણાવી દઈએ કે રેલવે દ્વારા ઘણી વખત પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં વધારો કરવામાં આવે છે. કેટલાક મહિનાઓ સુધી ચાલતા કોરોના સમયગાળા દરમિયાન પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં સૌથી વધુ વધારો થયો હતો. આ ઉપરાંત દર વખતે તહેવારો નિમિત્તે જુદા જુદા ઝોનમાં ભાવમાં વધારો કરવામાં આવે છે. ભલે તે ભીડ ઘટાડવા માટે કરવામાં આવે છે, પરંતુ તેની અસર ગરીબોના ખિસ્સા પર પણ પડે છે.






થોડા દિવસો પહેલા હૈદરાબાદમાં કાચેગુડા પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં પણ દશેરાના તહેવારને કારણે વધારો કરવામાં આવ્યો હતો. રેલવેએ જણાવ્યું હતું કે પ્લેટફોર્મ ટિકિટની કિંમત 10 રૂપિયાથી વધારીને 20 રૂપિયા કરવામાં આવી છે. દક્ષિણ મધ્ય રેલવે વતી ટ્વીટ કરીને આ જાણકારી આપવામાં આવી છે. તહેવારોને કારણે દેશના અન્ય કેટલાક સ્ટેશનો પર પણ પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં વધારો કરવામાં આવી શકે છે.