Congress Presidential polls: કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણીનો સમગ્ર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. કોંગ્રેસના અધ્યક્ષ બનવા માટે કોંગ્રેસના બે દિગ્ગજ નેતા મલ્લિકાર્જુન ખડગે અને શશી થરુર વચ્ચે મુકાબલો છે. હવે આવતીકાલે 17 ઓક્ટોમ્બરના રોજ યોજનારા મતદાનમાં કોંગ્રેસના નેતાઓ મતદાન કરશે અને કોંગ્રેસ અધ્યક્ષની પસંદગી કરશે. આ પહેલાં આજે કોંગ્રેસના સેન્ટ્રલ ઈલેક્શન ઓથોરિટીના ચેરમેન મધુસુદન મિસ્ત્રીએ ચૂંટણીનો આખો કાર્યક્રમ જાહેર કર્યો હતો.
ક્યારે અને ક્યાં યોજાશે મતદાનઃ
મધુસુદન મિસ્ત્રીએ કોંગ્રેસ અધ્યક્ષ માટેની ચૂંટણીનો સમગ્ર કાર્યક્રમને વિગતો જણાવતાં કહ્યું કે, "સવારના 10 વાગ્યાથી મતદાન શરુ થશે જે સાંજના 4 વાગ્યા સુધી ચાલશે. તમામ રાજ્યના પ્રતિનિધિઓ તેમના સંબંધિત પોલિંગ બૂથમાં તેમની પસંદગીના ઉમેદવારને વોટ આપશે. ટીકનું ચિહ્ન કરીને મતદાન કરી શકાશે. મતદાનની પ્રક્રિયામાં કોઈ અડચણ ન પડે તેવી તમામ વ્યવસ્થા કરાઈ છે."
મધુસુદન મિસ્ત્રીએ વધુમાં કહ્યું કે, "17 ઓક્ટોમ્બરે 4 વાગ્યે મતદાન પુર્ણ થશે અને એ પછી 18 ઓક્ટોબરે બેલેટ બોક્સ દિલ્હી પહોંચશે અને 19 ઓક્ટોબરે મતગણતરી કરવામાં આવશે. એઆઈસીસી ખાતે પણ પોલિંગ બૂથ બનાવાયા છે જ્યાં 50 લોકો મતદાન કરી શકશે."
રાહુલ ગાંધી ક્યાં મતદાન કરશેઃ
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને હાલના સાંસદ રાહુલ ગાંધી અત્યારે દક્ષિણ ભારતમાં ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. તેથી રાહુલ ગાંધી કર્ણાટકના બેલ્લારીમાં મતદાન કરશે. બેલ્લારી ખાતે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે મતદાન મથક બનાવામાં આવ્યું છે. તો હાલના કોંગ્રેસનાં કાર્યકારી અધ્યક્ષા સોનિયા ગાંધી દિલ્હીમાં મતદાન કરશે. આ સાથે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ પણ દિલ્હી ખાતે બનાવામાં આવેલ મતદાન મથક પર જ મતદાન કરશે. મહત્વનું છે કે, ચૂંટણીના પરીણામ આવ્યા બાદ 22 વર્ષ પછી પ્રથમ વખત કોંગ્રેસના અધ્યક્ષ તરીકે ગાંધી પરીવારથી બહારના કોઈ નેતા કોંગ્રેસના અધ્યક્ષ બનશે.