કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભાજપ પર મોટો પલટવાર કરતા કહ્યું કે, શું મંદિર ભાજપ-આરએસએસની પ્રોપર્ટી છે? રાહુલ ગાંધીએ એ પણ કહ્યું કે મંદિરના કહેવા પ્રમાણે મે ધોતી પહેરી હતી તો મારા કપડા ફેન્સી ડ્રેસ કઈ રીતે થઈ ગયા? રાહુલ ગાંધીએ મંદિર મંદિર જવા અને હિંદુ હોવા ન હોવા પર જવાબ આપતા કહ્યું કે હું હિંદુવાદી નથી, રાષ્ટ્રવાદી નેતા છું. તે સિવાય તેમણે કહ્યું કે હું તમામ સમાજના લોકોનો નેતા છું.
એક દિવસ પહેલાજ ઉજ્જૈનમાં મહાકાલ પહોંચી રાહુલ ગાંધીએ પૂજા કરી હતી અને તેની તસવીર સામે આવ્યા બાદ ભાજપાએ રાહુલ ગાંધીના ગોત્રને લઈને સવાલ ઉઠાવ્યા હતા. ત્યારે હવે રાહુલે પોતાને હિંદુવાદી નહીં પણ રાષ્ટ્રવાદી ગણાવી મોટું નિવેદન આપ્યું છે.
જો કે, રાહુલ ગાંધીના આ મોટા નિવેદન બાદ ભાજપે ફરી રાહુલ પર ટીપ્પણી કરી છે. ભાજપ નેતા કૈલાસ વિજયવર્ગીયએ કહ્યું કે રાહુલ ગાંધી મૂંઝવણમાં છે અને આ વખતે કૉંગ્રેસ ચૂંટણી હારશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ચૂંટણી વખતે રાહુલ ગાંધીના મંદિરોમાં જવા પર ભાજપે ચૂંટણી સ્ટંટ ગણાવ્યો હતો. તેના પર રાહુલે પોતાને જનોઈધારી અને શિવભક્ત હોવાનો દાવો કર્યો હતો.