સીતામઢીઃ બિહારના જાણીતા ગેંગસ્ટર સંતોષ ઝાની ગોળીમારીને હત્યા કરી દેવામાં આવી છે. તેને જેલમાંથી સીતામઢી સિવિલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો ત્યારે જ ગોળી મારવામાં આવી હતી. જેના કારણે કોર્ટ પરિસરમાં જ તેનું પ્રાણ પંખેરુ ઉડી ગયું હતું. સંતોષ દરભંગામાં થયેલી એન્જિનિયરની હત્યાનો પણ આરોપી હતો. સીતામઢીમાં થયેલી બે એન્જિનિયરોની હત્યા પાછળ સંતોષની ગેંગનો હાથ હતો.
શિવહરનો રહેવાસી સંતોષ ઝાએ માત્ર ટૂંકાગાળામાં ગુનાખોરીની દુનિયામાં તેનું સામ્રાજ્ય સ્થાપ્યું હતું. થોડા દિવસો પહેલા સંતોષ ઝા ગેંગના સભ્યની મોતિહારી કોર્ટ પરિસરમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી.
શિવહર જિલ્લાના પુરનહિયા પોલીસ સ્ટેશનનો રહેવાસી સંતોષ ઝા પહેલા નક્સલી હતો, પરંતુ બાદમાં ધીમે ધીમે ગેંગનું વિસ્તરણ કર્યું અને ગેંગસ્ટર બની ગયો. સીતામઢી, શિવહર, મુઝફ્ફરપુર, મોતિહારી, બેતિયા, ગોપાલગંજ, મધુબની, દરભંગા અને સમસ્તીપુર જિલ્લામાં તેની હાંક હતી. પહેલા તે ખુદને નકસલી ગણાવી ઘટનાને અંજામ આપતો હતો.
2004માં પ્રથમ વખત સંતોષ ઝાની હથિયારો સાથે પટના પોલીસે ધરપકડ કરી હતી. આશરે 3 મહિના જેલમાં રહ્યા બાદ તે જામીન પર છુટ્યો હતો. જે બાદ તેણે અનેક હત્યાકાંડને અંજામ આપ્યો હતો.
2010માં નગર સેવક નવલ રાયની હત્યા બાદ સંતોષ ઝાનું નામ ક્રાઇમની દુનિયામાં ગુંજવા લાગ્યું હતું. ઓક્ટોબર, 2010માં વિધાનસભા ચૂંટણી દરમિયાન લેન્ડ માઇન્સ બિછાવીને તેણે 5 પોલીસ કર્મીની હત્યા કરી હતી. જે બાદ તેણે રોડ કન્સ્ટ્રક્શનનું કામ કરતી કંપનીઓને નિશાન બનાવવાનું શરૂ કર્યું હતું.