Bharat Jodo Nyay Yatra: કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી રવિવારે (14 જાન્યુઆરી)ના રોજ 'ભારત જોડો ન્યાય યાત્રા' શરૂ કરશે. આ યાત્રા મણિપુરના થોબલ જિલ્લામાંથી શરૂ થશે અને મુંબઈ પહોંચશે. આ દરમિયાન રાહુલ ગાંધી 6000 કિલોમીટરથી વધુની યાત્રા કરશે. આ યાત્રા બે મહિના સુધી ચાલશે.






રાહુલ ગાંધી 60 થી 70 મુસાફરો સાથે પગપાળા અને બસમાં મુસાફરી કરશે. આ યાત્રા બપોરે 12 વાગ્યે મણિપુરના ખોંગજોમ વોર મેમોરિયલથી શરૂ થશે. જોકે, અગાઉ તે રાજધાની ઇમ્ફાલથી શરૂ થવાની હતી.


મણિપુર કોંગ્રેસના પ્રમુખ કીશમ મેઘચંદ્રએ જણાવ્યું હતું કે, "અમે 2 જાન્યુઆરીએ રાજ્ય સરકારને ઇમ્ફાલમાં હપ્તા કાંગજીબુંગ સાર્વજનિક મેદાનમાં ભારત જોડો ન્યાય યાત્રાને મંજૂરી આપવાનો પ્રસ્તાવ મુક્યો હતો. અમે એ પણ જાહેરાત કરી હતી કે યાત્રા ઇમ્ફાલથી શરૂ થશે અને મુંબઇમાં સમાપ્ત થશે.


તેમણે કહ્યું હતું કે અમે 10 જાન્યુઆરીએ મુખ્યમંત્રી એન બિરેન સિંહને મળ્યા હતા. આ દરમિયાન યાત્રા માટે   હપ્તા કાંગજીબુંગ મેદાનમાં મર્યાદિત સંખ્યામાં સહભાગીઓ સાથે જવાની મંજૂરી માંગી હતી પરંતુ તેમણે મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો હતો. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે મણિપુરમાં ભારત જોડો ન્યાય યાત્રાને લીલી ઝંડી આપશે.


સરકારે કાર્યક્રમ પર નિયંત્રણો લાદ્યા છે


મણિપુર સરકારે 14 જાન્યુઆરીના રોજ થૌબલ જિલ્લામાંથી કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રાના પ્રારંભથી સંબંધિત કાર્યક્રમ પર પ્રતિબંધો લાદી દીધા હતા અને કહ્યું હતું કે કાર્યક્રમ એક કલાકથી વધુ ન હોવો જોઈએ અને તેમાં ભાગ લેનારા લોકોની મહત્તમ સંખ્યા 3,000 હોવી જોઈએ. આ અંગે થોબલના ડેપ્યુટી કમિશનરે 11 જાન્યુઆરીએ મંજૂરીનો આદેશ જાહેર કર્યો હતો. પાર્ટીએ આ આદેશ યાત્રાના એક દિવસ પહેલા શેર કર્યો હતો.


ભારત જોડો ન્યાય યાત્રાનો રૂટ કયો છે?


ઉલ્લેખનીય છે કે યાત્રાના રૂટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જો કે, તેના પ્રારંભિક સ્થળમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ભારત જોડો ન્યાય યાત્રા 67 દિવસ સુધી ચાલશે. આ સમયગાળા દરમિયાન કુલ 6,713 કિલોમીટરનું અંતર પાર કરીને યાત્રા 20 માર્ચે મુંબઈમાં પૂરી થશે. દરમિયાન તે 15 રાજ્યોના 110 જિલ્લાઓને આવરી લેશે.


ભારત જોડો ન્યાય યાત્રા પર કોંગ્રેસે શું કહ્યું?


કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું, "છેલ્લા 10 વર્ષમાં થયેલા રાજકીય, આર્થિક અને સામાજિક અન્યાયને ધ્યાનમાં રાખીને આ યાત્રા કાઢવામાં આવી રહી છે." તેમણે કહ્યું, "વડાપ્રધાન 'અમૃતકાળ'ના સોનેરી સપના બતાવે છે, પરંતુ છેલ્લા 10 વર્ષની વાસ્તવિકતા 'અન્યાયકાળ' છે.